(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
રાજ્યસભામાં સીજેઆઈ રંજન ગોગોઈની નિમણૂંકથી કાયદા સાથે જોડાયેલ ન્યાયતંત્ર અને વિરોધ પક્ષોએ તીવ્ર આઘાત અનુભવ્યો છે અને પોતાની પ્રતિભાવો જણાવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પક્ષના નેતા યશવંત સિંહાએ કહ્યું હું આશા રાખું છું કે ગોગોઈ સરકારની ઓફર નકારી કાઢશે. એમણે કહ્યું કે પૂર્વ સીજેઆઈ ગોગોઈને સરકારને ‘ના’ કહેવાની સંપૂર્ણ ક્ષમતા છે અને જો એ ‘ના’ નહીં કહેશે તો ન્યાયતંત્રની ગરિમાને ભરપાઈ નહીં થઈ શકે એ પ્રકારનું નુકસાન પહોંચાડશે. સીપીઆઈ(એમ)ના વડા સીતારામ યેચૂરીએ યાદ કરાવ્યું હતું કે ભૂતકાળમાં જે જજો સરકાર પાસેથી સારા હોદ્દાઓ મેળવે છે. એમની ભરપૂર ટીકા જજ ગોગોઈએ કરી હતી અને આ કૃત્યને ન્યાયતંત્રની સ્વતંત્રતા સાથે સમાધાન તરીકે જણાવ્યું હતું. હવે એ પોતે જ આવું કરી રહ્યા છે. અમુક કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે કે, હવે પૂરવાર થઈ ગયું છે કે ન્યાયતંત્ર સ્વતંત્ર નથી. કોંગ્રેસ પ્રવકતા જયવીર શેરગીલે આજના દિવસને ‘‘દુઃખદ દિવસ’’ જણાવ્યું હતું. વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે જજ ગોગોઈ રાજ્યસભામાં જવા માટે સરકારની પડખે ઊભા થવા બદલ, ન્યાયતંત્ર અને પોતાની પ્રમાણિકતા સાથે સમજૂતી કરનાર તરીકે યાદ કરાશે. એમણે કહ્યું કે, જજ એચ.આર.ખન્ના પોતાની પ્રમાણિકતા સરકારની વિરૂદ્ધ ઊભા થવા અને કાયદાનું શાસન સ્થાપવા યાદ કરાય છે. એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ ટ્‌વીટ પર લખ્યું શું આ ઈનામ છે ? લોકોને જજોની સ્વતંત્રતા બાબત વિશ્વાસ કેવી રીતે રહેશે ? એમણે કહ્યું કે, પ્રશ્નો ઘણા બધા ઊભા થશે. તૃણમૂલ કોંગ્રેસ નેતા મહુઆ મોઈત્રાએ કહ્યું સરકારના આ નિર્ણયથી કોઈ આશ્ચર્ય થયું નથી. અમને એવું લાગે છે કે લાલચી પૂર્વ સીજેઆઈ કાયમ એક રાજકારણી જ રહ્યા છે. મોઈત્રાએ આશ્ચર્ય નહીં થવાના કારણે આ પણ જણાવ્યું. એમણે એનઆરસી પ્રક્રિયાને આગળ ધપાવી, રામ મંદિરનું નિર્ણય, જમ્મુ-કાશ્મીરની હેબિયસ કોર્પસની અરજીઓ સાંભળવા ઈન્કાર, પોતાની જાતીય સતામણી કેસમાં મુક્તિ મેળવવી. એ રાજકારણી છે કે જજ ? સ્વરાજ ઈન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવે લખ્યું એમના રાજકારણી માસ્ટર પાસેથી ઈનામ મેળવ્યું. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ લખ્યું ‘ભારતના ન્યાયતંત્રમાંથી લોકોનો વિશ્વાસ તૂટતો જાય છે.’