(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૨૯
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર સ્થિત ટ્રસ્ટ સંચાલિત સિવિલ હોસ્પિટલના તબીબની મનમાનીથી ગરીબ આદિવાસી પરિવારોની બે મહિલાઓના મૃતદેહો રવિવારે સમી સાંજથી સોમવારે વહેલી સવારે સુધી પીએમ રૂમની બહાર વરસતા વરસાદમાં રજળતા પડ્યા રહેતા સિવિલ હોસ્પિટલના તંત્ર સામે ભારે રોષની લાગણી જન્મી છે. માનવતા ગુમાવી ચૂકેલા આ તબીબને તાત્કાલિક સિવિલમાંથી દૂર કરવામાં આવે તેવી પરિવારના સભ્યોએ માંગ કરી છે.
બનાસકાંઠામાં મેડીકલ કોલેજનો વહિવટ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો છે. જ્યાં મેડીકલ કોલેજના ઉપયોગ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરાયા બાદ તબીબોની જોહુકમી વધી જવા પામી હોવાના આક્ષેપો વચ્ચે માનવતાને નેવે મુકનારો કિસ્સો બહાર આવતાં સિવિલના સંચાલકો સામે ભારે રોષ ઉદ્દભવવા પામ્યો છે. આ અંગે આદિવાસી પરિવારના કેસાભાઇ પરમારે જણાવ્યું હતુ કે, તેમના કાકાનો દિકરો સાયબાભાઇ પરમાર ચીખલાથી લક્ષ્મીબેન નાનાભાઇ મોરીજિયા અને તેમની બહેનને બાઇક ઉપર બેસાડી વિરમપુર આવી રહ્યા હતા. તે દરમિયાન માર્ગમાં લક્ષ્મીબેન બાઇક ઉપરથી પડી જતાં પ્રથમ વિરમપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. જોકે, ત્યાં રવિવારના કારણે તબીબો હાજર ન હોવાથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં હાલત નાજુક જણાતાં તબીબે અમદાવાદ ખસેડવાનું કહ્યું હતુ જોકે, પરિવાર તેણીને શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડી રહ્યો હતો. તે દરમિયાન લક્ષ્મીબેનનું મોત નિપજ્યું હતુ. આથી મૃતદેહને પુનઃ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, ફરજ પરના આર. એમ. ઓ.એ જો પીએમ કરાવો તો જ મૃતદેહ પીએમ રૂમમાં મુકવા દઉ તેવું જણાવ્યું હતુ. બીજી તરફ લક્ષ્મીબેનના પરિવારના નજીકના સગા હાજર ન હોઇ અને સામાજીક રીત- રિવાજોના કારણે તાત્કાલિક પીએમ કરવાની ના પાડતાં મૃતદેહ પીએમ રૂમમાં મુકવા દીધો ન હતો. તેવી જ રીતે અમીરગઢ તાલુકાના ખાપા ગામના ધુળીબેન ગલબાભાઇ ખરાડીને ઘણા સમયથી ટીબીની બિમારી હતી. તેમનું રવિવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આથી મૃતકના પિયરપક્ષના લોકો ન આવે ત્યાં સુધી મૃતદેહ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવા માટે લઇ આવ્યા હતા. પરંતુ તેમના મૃતદેહને પણ પીએમ રૂમમાં ન મુકવા દેતાં બંને મહિલાઓના મૃતદેહો રવિવારે સાંજથી સોમવારે વહેલી સવાર સુધી પીએમ રૂમની બહાર જ વરસતા વરસાદમાં રઝળતા પડી રહ્યા હતા.
વરસાદથી બચાવવા મૃતદેહો ઉપર પ્લાસ્ટિક વિંટ્યું
સિવિલ હોસ્પિટલના તબીબે મૃતદેહો પીએમ રૂમમાં મુકવા દીધા ન હતા. બીજી તરફ વરસાદ ચાલુ થતાં આદિવાસી પરિવાર ભારે મુસ્કેલીમાં મુકાઇ જવા પામ્યો હતો. તેમણે મૃતદેહો ઉપર વરસાદ ન પડે તે માટે પ્લાસ્ટિક ખરીદી લાવી વિંટ્યું હતુ. ઘટના અંગે મને કશી જાણ નથી : પી. આર. લોધાણી (સિવિલ સર્જન, પાલનપુર) તમે જે વાત કરો છો તે ઘટનાનો મને કોઇ આઇડીયા નથી. અત્યારે હું રસ્તામાં છુ. તપાસ કરીને પછી કહી શકુ.