અંકલેશ્વર, તા.૨૦
આ વર્ષે દેશમાં જુદા-જુદા રાજયોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ વરસાદનાં કારણે મોટા ભાગનાં પાકને નુકસાન થયું છે. આ નુકસાનને કારણે દેશનાં સૌથી મોટા હોલસેલ ભાવનાં ડુંગળી બજારોમાં ડુંગળી મોંઘી થશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. આગામી સમયમાં ગરીબોની કસ્તુરી રડાવશે તેવા એંધાણ મળી રહ્યા છે. આ વર્ષે ભારે વરસાદનાં કારણે ડુંગળીનાં પાકમાં મોટુ નુકશાન થયું છે જેના કારણે દેશનાં ડુંગળીનાં મોટાં બજાર મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકમાં ડુંગળીનાં ભાવ વધ્યા છે. ઉપરાંત આ રાજ્યોમાં ડુંગળીનું ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વાવેતરમાં પણ મોટી નુકસાની થઈ છે, આથી ડુંગળીનો પાક ભારે વરસાદનાં કારણે નિષ્ફળ ગયો છે. જેનાથી ખેડૂતોને પણ ડુંગળીનાં પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે આગામી સમયમાં ડુંગળીનાં ભાવમાં જબરો વધારો થવાની શકયતા છે.
ડુંગળીનો આગામી પાક ફેબ્રુઆરીમાં આવશે ત્યાં સુધીમાં ડુંગળીનાં ભાવમાં ઘટાડો થવાની કોઈ શકયતા નથી પરંતુ ભાવમાં વધારો થશે તેવું વેપારીઓ જણાવે છે અને ડુંગળીનાં ભાવ આસમાને પહોંચશે. અહીં નોંધનીય છે કે આ વર્ષે નવરાત્રિની શરૂઆતમાં બટાકાના ભાવ અત્યારથી જ આસમાને પહોંચ્યા છે. તો આગામી સમયમાં ડુંગળીનાં ભાવમાં પણ વધારો થવાની ભીંતિ વેપારીઓ જણાવી રહ્યા છે. ડુંગળી-બટાકાનાં ભાવમાં વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોનાં બજેટ ખોરવાશે, લોકડાઉનનાં સમયગાળા બાદ લોકો મોંઘવારીથી પીડાઈ રહ્યા છે ત્યારે જો આગામી સમયમાં ડુંગળી-બટાકાનાં ભાવમાં વધારો થાય તો ગૃહિણીઓનાં શાકભાજીનાં ખરીદીમાં બજેટ ખોળવાશે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.