રાજ્યની ૪૪ લાખ હેકટર જેટલી ખેતીલાયક જમીનમાંથી ૯૦ ટકા જમીનમાં વાવેતર થઈ ગયું છે : સૂત્રો

(એજન્સી) કોલકાતા,તા.ર૦
પ્રાથમિક મુલ્યાંકનમાં ડાંગર પકવતા મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ સામાન્ય રહેવાના તારણો સામે આવતા બંગાળના કૃષિ વિભાગના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. નોંધનીય છે કે રાજયની ૪૪ લાખ હેકટર જેટલી ખેતીલાયક જમીનમાંથી ૯૦ ટકા જમીનમાં ડાંગરનું વાવેતર થઈ ગયું છે. રાજય સરકારને ચિંતા હતી કે અન્ય ક્ષેત્રોની જેમ કૃષિ ક્ષેત્ર પર પણ કોવિડ-૧૯ની અસર પડશે. પ.બંગાળના ૭૦ ટકાથી વધુ લોકો કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલા છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે વરસાદ અને વાવણીના અહેવાલો સંતોષકારક છે. બુધવારે કૃષિવિભાગના સૂત્રે જણાવ્યું હતું કે, રાજયમાં ૧ જૂનથી અત્યાર સુધી ૧૧૩૮.૩ એમ.એમ. વરસાદ પડયો છે. જયારે આ સમયગાળાનો સરેરાશ વરસાદ ૧૦૦ર એમ.એમ. છે. આ ઉપરાંત ડાંગર પકવતા બધા જિલ્લાઓમાં વરસાદ લગભગ એકસરખો રહ્યો છે.૯૦ ટકા જેટલી ખેતીલાયક જમીનમાં ડાંગરનું વાવેતર પુરૂ થઈ ગયું છે. નોંધનીય છે કે ખરીફપાકની ઋતું પશ્ચિમ બંગાળના અર્થતંત્ર માટે ખુબ જ મહત્વની છે. આ ઋતુ દરમ્યાન રાજયના ૭ર લાખ ખેડૂતો વાર્ષિક ધોરણે ૧૧૦ લાખ ટનથી લઈને ૧પપ લાખ ટન જેટલા ચોખા પકવે છે. એક સૂત્રે જણાવ્યું હતું કે નોકરી ગુમાવ્યા પછી લોકો ગ્રામીણ વિસ્તારોમાં પરત ફર્યા હતા અને હવે કૃષિક્ષેત્રમાં તેમને રોજગાર મળી રહ્યો છે. જો યોગ્ય વરસાદ થયો ન હોત તો અનેક મુશ્કેલીઓ ઉભી થઈ હોત.