(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
શહેરના વરાછા વિસ્તારમાં ભગુનગર સોસાયટીમાં એક માથાભારે લેડી ડોન તથા તેના બોયફ્રેન્ડ અને અન્ય મળતિયાઓએ જાહેરમાં લોકોમાં ભય અનો ખોફ ફેલાવવા માટે ખુલ્લેઆમ ઘાતક હથિયારો સાથે રોડ પર ઉતરી આવ્યા હતા અને નશો કરેલી હાલતમાં જાહેર રસ્તા પર એલફેલ ગાળો બોલી એક ઇસમ પર હથિયારો ઉગામ્યા હતા. જો કે, આ સમયે કોઇ ઇસમે સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. જો કે, વાયરલ થયેલો આ વીડિયો સુરત પો. કમિ. સુધી પહોંચ્યો હતો. જેથી તપાસના આદેશ કરવામાં આવ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટનામાં એક દિવસ અગાઉ લેડી ડોન અને તેના બોયફ્રેન્ડ સામે ગુનો નોંધાયા બાદ ગતરોજ મોડી રાત્રે વધુ એક ફરિયાદ નોંધાવા પામી હતી. શહેરના વરાછા વિસ્તારમાં હાલમાં ગલીએ ગલીએ ડોન થઇ ગયા છે. લોકોમાં ધાક જમાવી પૈસા પડાવવાના અભરખા સાથે આજકાલના ડોન બનેલા ઇસમો નાની-નાની વાતમાં મારામારી કરતા હોય છે. થોડા દિવસ અગાઉ પણ આ જ રીતે વરાછાની લેડી ડોનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ભારે ચકચાર મચાવી હતી. વીડિયોમાં લેડી ડોન અસ્મિતા ઉર્ફે ભૂરે તેનો બોયફ્રેન્ડ અને તેના અન્ય મળતિયાઓ જાહેરમાં ધારિયુ, ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે એક ઇસમને ડરાવે છે અને તેના ઉપર હુમલો પણ કરે છે અને લોકોમાં ડર ફેલાવવાનો પ્રયત્ન પણ કરે છે. આ વીડિયો પોલીસ કમિશનર સુધી પહોંચતા ડીસીબીને તપાસ સોંપવામાં આવી છે. ગતરોજ મોડીરાત્રે વરાછા પોલીસ મથકની માતાવાડી ચોકીના પીએસઆઇ એમ.એન. કાતરિયાએ વીડિયોને લઇ ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે પ્રાણઘાતક ધારદાર હથિયારો કોઇતા અને રેમ્બો છરા સાથે ગેરકાયદેસર મંડળી રચી એક સંપ થઇ લોકોમાં ભય અને પોતાનો ઇરાદો પાર પાડવા જાહેરમાં હવામાં હથિયારો વિંજી, એકબીજા સાથે ગાળો ગાળી કરી, લોકોમાં ભય અને આતંકનો માહોલ ફેલાવી, આવતા-જતા લોકો તથા વાહનોને અટકાવી ટ્રાફિકજામ કરી ગેરકાયદેસર અવરોધ ઊભો કરી જાહેરમાં મારામારી કરવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.