(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ સુવિધા રો-હાઉસ અને તિરૂપતિ સોસાયટી દ્વારા આરોગ્યને લઇને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્યને અને કોરોનાની ઈફેક્ટના પગલે સેનિટાઈઝર મૂકવામાં આવ્યા છે. સેનિટાઈઝરથી હાથ સાફ કરીને જ સોસાયટીના સભ્યો અને મહેમાનોને પ્રવેશ અપાય છે. સાથે જ સોસાયટીના ગેટ પર પણ કોરોનાની જાગૃતિ માટેના બેનર લગાવવામાં આવ્યા છે. શહેરીજનો દ્વારા સ્વયંભૂ રીતે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. વરાછામાં સીમાડા વિસ્તારમાં આવેલી સુવિધા રો-હાઉસના સુરેશભાઈએ જણાવ્યું હતું કે, કોરોનાની જ્યાં સુધી ઈફેક્ટ રહેશે, ત્યાં સુધી દરેકને સેનિટાઈઝરથી હાથ સાફ કરીને જ પ્રવેશ આપવામાં આવશે. સોસાયટીના નિકુંજભાઈ ઘાડિયા દ્વારા સેનિટાઈઝર આપવામાં આવ્યા છે તો સોસાયટીના સભ્યો ગેટ પર જ ઊભા રહીને દરેકના હાથ સાફ કરાવે છે. સાથે જ બેનર પણ લગાવવામાં આવ્યા છે, જેથી લોકો તકેદારી રાખે. તેમજ તિરૂપતિ સોસાયટી વિભાગ-૨મા કોરોનાને લઈને ૩૦ માર્ચ સુધી સોસાયટીમાં જે કોઈ લોકો બહારથી આવે છે અથવા તો સોસાયટીના લોકો બહાર ગયા હોય તેને સેનિટાઈઝર્સથી હાથ ધોવડાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાને લોકો બિરદાવી રહ્યા છે સાથે જ સહકાર પણ આપીને આરોગ્યને લગતાં પગલાં ભરી રહ્યા છે.