સુરત, તા.૧૬
વરાછામાં ગ્રે કાપડના માલના મુદ્દે બે કાપડ દલાલ મિત્રોનું કારમાં અપહરણ કરી લસકાણાના ક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીયલ ખાતામાં ગોંધી રાખી ઢોરમાર મારી માલ અંગે લખાણ કરાવી લેવામાં આવ્યું હતું. કારખાનેદારો દ્વારા અપહરણ કર્યા બાદ લખાણ કરાવી મુક્ત કર્યા બાદ ઍક દલાલ ઍકાઍક ગઈકાલથી ગુમ થઈ જતા પરિવાર અને પોલીસ દોડતી થઈ છે. વરાછા પોલીસના જણાવ્યા મુજબ સણિયા હેમાદ ગામ વિવેક રેસિડેન્સી ખાતે રહેતા ભાવેશ મગનભાઈ ચણીચારા (ઉ.વ.૪૩) ગ્રે કાપડની દલાલીનું કામકાજ કરે છે. ભાવેશભાઈનો મિત્ર ચેતન ડોબરિયા પણ દલાલીનું કામકાજ કરે છે. ભાવેશભાઈ ચેતનભાઈ મારફતે નરેશ પાલડી પાસેથી ગ્રે કાપડનો લાયક્રા ક્વોલિટીનો ૧૪ ટન માલ તેની કિંમત અંદાજિત રૂપિયા ૫ લાખ થાય છે, જે માલ અવધ માર્કેટમાં ધંધો કરતા અંકુરભાઈને વેચ્યો હતો. દરમિયાન ગત તારીખ ૧૨મીના રોજ ભાવેશભાઈ કતારગામ જીઆઈડીસી પાસે ચા પીતો હતો, તે વખતે ઍક કારમાં આવેલા ચાર અજાણ્યાઓઍ ભાવેશને ચેતન મારફતે નરેશને માલ વેચ્યો હોવાનું પૂછતા ભાવેશભાઈએ હા પાડતા ચેતન પાસે જવાનું કહી કારમાં લસકાણા ક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટ ખાતે ખાતામાં લઈ ગયા હતા, ત્યાં બીજા ત્રણેક અજાણ્યાઓ બેઠા હતા. નરેશ પાલડી પણ ત્યાં જ હતો. ખાતામાં હાજર ત્રણેય જણાએ પોતે ખાતાના ભાગીદાર હરેશ, ભરત અને કલ્પેશ હોવાનુ કહી નરેશ પાસેથી જે માલ લઈને વેચ્યો છે, તે પાછો આપી દેવાનું કહ્યું હતું, જેથી ભાવેશ સાંજે ચેતનને ફોન કરી વરાછા મીનીબજાર કોહીનુર સોસાયટી પાસે ચાની લારી પાસે બોલાવ્યો હતો, ત્યાં ભાવેશ અને ચેતન વાતચીત કરતા હતા તે દરમિયાન કારમાં આવેલા અજણ્યા શખ્સોએ બંને જણાને બળજબરીપૂર્વક કારમાં બેસાડી લસકાણા ખાતામાં લઈ ગયા હતા. આરોપીઓ અંદર વાતચીત કરતા અન્ય આરોપીઓના નામ રાહુલ, ઝીગો, ધર્મેશ ઝાલાવાડિયા હોવાનું બહાર આવ્યું હતુ. આરોપીઓએ ભાવેશ, ચેતન અને નરેશને ૧૪ ટન માલ આપી દેવા માટે ધમકી આપી હતી, જેથી ભાવેશ અને ચેતન પાસે માલ આપી દેવાની બાહેધરી લખાણ કરાવ્યા બાદ મુક્ત કર્યો હતો. ચેતન પાસે લખાણની સાથે બે સહીવાળા ચેક પણ લીધા હતા. ત્યારબાદ બીજા દિવસથી ચેતન ગૂમ થયો છે. પરિવાર દ્વારા ચેતનની શોધખોળ કરવા છતાંયે તેની કોઈ ભાળ મળી આવી નથી. બનાવ અંગે પોલીસે ભાવેશની ફરિયાદને આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Recent Comments