(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૯
શહેરના વરાછા વિસ્તારમાં બજરંગ દળ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે ચાઈનીઝ મોબાઈલ સહિતની વસ્તુઓની હોળી કરી હતી. માનગઢ ચોક અને ઉધના દરવાજા સહિતના વિસ્તારોમાં લોકોએ જાહેર રસ્તા પર ચીનના રાષ્ટ્રપતિ જિનપીંગના પોસ્ટર અને મોબાઈલ સળગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બજરંગ દળે લોકોને ચાઈનીઝ વસ્તુઓ ન ખરીદવા આગ્રહ કર્યો છે. સાથે જ ચીનની અવળચંડાઈથી સૈનિકો સાથે કરવામાં આવેલા કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યા છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચીન સામે પ્રચંડ વિરોધ રસ્તાઓ પર લોકો કરતાં જોવા મળી રહ્યા છે. ભારત ગલવાન ઘાટી પર ચાઈના દ્વારા ભારતના સૈનિકો પર હુમલો કરી ૨૦ જેટલા સૈનિકોને શહીદ કરી નાંખતા દેશમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ચાઈનાની આ અવળ ચંડાઇના કારણે દેશમાં વિવિધ રાજ્યોમાં લોકો ચાઇના પ્રોડકટનો બહિષ્કાર કરી હોળી કરી રહ્યો છે. આ ઉપરાંત ચાઇનાના રાષ્ટદ્રપતિ જિનપીંગના ફોટા સાથે ડ્રેગનના ફોટા સળગાવી પોતાનો રોષ વ્યકત કરી રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લાં ત્રણ દિવસથી વિવિધ વિસ્તારોમાં લોકો અને સંસ્થાઓ વિરગતિને પામેલા શહીદોને શ્રદ્ધાંજલીની સાથે ચાઇના પ્રોડકટ તોડીને વિરોધ નોંધાવી રહ્યા છે. શુક્રવારે પણ વરાછા માનગઢ ચોક ખાતે બજરંગ દળ દ્વારા ચાઇનાના રાષ્ટ્રપતિ જિનપીંગ અને ડ્રેગનના ફોટા સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ ચાઇનાના મોબાઇલ અને ટીવી રસ્તા પર ફોડી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. આ ઉપરાંત ઉધના દરવાજા ખાતે પણ લોકોએ વિરોધ નોંધાવી ચાઇના પ્રોડકટને સળગાવી નાંખી હતી. ભારતમાં ચાઇના પ્રોડકટનો બહિષ્કાર કરવાની હાંકલ સાથે તેને ન ખરીદવાની અપીલ કરી છે.