અમદાવાદ, તા.૧૧
રૂા.૫૦૦ કરોડના દેવાના ચક્કરમાં અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગુજરાતની જાણીતી કંપની વરિયા એન્જીનીયરીંગ પ્રા.લિ.ના માલિક હિમાંશુ વરિયાએ વટવા જીઆઇડીસીની ફેઝ નંબર-૪માં પોતાની કારમાં જ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, તેઓને ગંભીર હાલતમાં એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તેમનો જીવ બચી ગયો હતો. હાલ તેઓ સારવાર હેઠળ છે. જો કે, આત્મહત્યાના પ્રયાસ પહેલાં હિમાંશુ વરિયાએ સ્યુસાઇડ નોટ પણ લખી હતી, જે કબ્જે લઇ પોલીસે હવે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૦માં રૂ.૧૩ કરોડનું હેલિકોપ્ટર ખરીદનાર હિમાંશુ વરિયા આજે કરોડોના દેવામાં ગરકાવ બનતાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વરિયા એન્જીનીયરીંગ પ્રા.લિના માલિક હિમાંશુ વરિયાએ ઝેરી દવા પીતાં પહેલાં સોશિયલ મીડિયામાં સ્યુસાઇડ નોટ લખી મૂકી હતી. હિમાંશુ વરિયાએ સ્યુસાઇડ નોટ ટાઇપ કરીને વોટ્‌સએપ કરી હતી. ત્રણ મહિના પહેલા હિમાંશુએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે અરજી કરી હતી. જો કે, તેમછતાં પોલીસ તરફથી કોઇ સંતોષજનક કાર્યવાહી નહી થતાં આખરે વરિયાએ જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. પોલીસે કબ્જે કરેલી સ્યુસાઇડ નોટમાં વરિયાએ કંઇક આ પ્રમાણે વેદના વ્યકત કરી હતી કે, ધીરૂકાકા, હું મારી લાઇફથી કંટાળી ગયો હતો. એસબીઆઇના ડીજીએમ રમાકાંત તિવારીએ મારી રનીંગ ૫૦ વર્ષ જૂની કંપનીને એના ઇગોને લીધે સીડી-આર રિસ્ટ્રક્ચર્ડ કરી હતી. તો પણ એક વર્ષ સુધી જોઇન્ટ ડોક્યુમેન્ટ સાઇન ન કરવા દીધા. એટલે મારી ૫૦ વર્ષ જૂની કંપની અને ૨૫ વર્ષની મહેનત ટેકનીકલ એનપીએ થઇ ગઇ, એટલેથી ના અટકતાં એસબીઆઇના અધિકારીઓએ બ્રાન્ચનું એનપીએ ના દેખાય એટલા માટે સીડી-આરની સ્કીમને જોઇન્ટ ડોક્યુમેન્ટ સાઇન કર્યા ન હતા તો પણ હાફ ઇમ્પ્લીમેન્ટ કરી એસબીઆઇની આ જ ભૂલને કારણે એસબીઆઇના ઓડિટર્સે કંપની ટેકનિકલ એનપીએ કરી. એમાં મારો કે મારી કંપનીના ૫૦૦ એમ્પ્લોઇ અને એમનાં ફેમીલીનો શું વાંક હતો? કાકા પછી કંપનીને બચાવી અને ફરીથી શરૂ કરવાનાં ચક્કરમાં હું વ્યાજખોરના ચક્કરમાં આવ્યો અને ત્યાર બાદ હું એને વ્યાજ ભરવા માટે અમદાવાદના માથાભારે વ્યાજખોરોના ચક્કરમાં ક્યારે ફસાઇ ગયો એની મને ખબર જ ના પડી. મારો ફ્‌લેટ સુધ્ધાં એ લોકોએ લખાવી લીધો છે. મારી ગાડીઓ પણ લઇ લીધી છે. મારી વાઇફનાં ઘરેણાં તેમજ મારી મમ્મીનાં ઘરેણાં પણ એ લોકોના વ્યાજ ભરવામાં વેચાઇ ગયાં છે. મૂડી કરતાં ૧૦થી ૨૦ ગણું મેં વ્યાજ ચૂકવી દીધું છે પણ મને એ લોકો માનસિક ટોર્ચર કર્યા કરે છે. એક વખત હતો જ્યારે અમારા સમાજના વર્ષમાં ૧૦ છોકરાની આઇએએસની પરીક્ષા માટે તમામ ખર્ચ ઉપાડનાર હિમાંશુ વરિયા આજે એમના પોતાના છોકરાંની ફી ભરવાને લાયક પણ નથી રહ્યો. કાકા મને હતું કે હું બધું ઓકે કરી દઇશ પણ હવે ડીઆરટી, લિક્વેડિટર અને બેન્કના અધિકારીઓએ મળીને મારી રૂ.૫૦૦ કરોડથી પણ વધુ કિંમતની પ્રોપર્ટીને પાણીના ભાવે વેચી રહ્યા છે. એસબીઆઇના અધિકારીઓને કોઇ પૂછવાવાળું નથી કે કોના કહેવાથી એસબીઆઇના અધિકારીઓએ સીડી-આર એપ્રૂવ્ડ કંપનીને એક વર્ષ સુધી ઇમ્પ્લિમેન્ટ ના કરી? સેજલને કહેજો એના ભાઇ તારક સાથે લંડન જતી રહે, ક્રિશને ભણાવે પણ ઇન્ડિયામાં ક્યારેય પણ પાછા ન આવે. અહીં સાચાને સાચા કહેવાના પૈસા લાગે છે અને ૫ લાખથી વધારે લોકોને રોજગાર ઊભો કરનારની પણ કોઇ કિંમત નથી. ઘીરૂકાકા આઇ એમ સોરી. આશા, અમર, વિનોદ, બાબુકાકા અને મારા પર ભરોસો રાખી મારો સાથ ના છોડી જનારા મારા મિત્રો અને એમ્પ્લોઇ બધાની હું માફી માગું છું. હવે મારાથી વ્યાજખોરોનો ત્રાસ સહન થતો નથી. મમ્મી પપ્પા સોરી ક્રિશ લાઇફમાં નો કહેતાં શીખજે. મારી કોઇને ના નહીં પાડી શકવાની આદતને લીધે આજે મને વ્યાજખોરોએ અહીં સુધી પહોંચાડી દિધો છે. મમ્મી, દાદા અને બાનું ધ્યાન રાખજે. ધીરૂદાદાને સાથે રાખજે, આપણા કોઇ પણ રિલેટિવ પર ટ્રસ્ટ ના કરીશ. મામા અને મામી કહે એમ કરજે. ધીરૂકાકા સોરી હું રિયલમાં વ્યાજખોરોથી થાકી ગયો છું.