(એજન્સી) મુંબઈ, તા.૧પ
સોહરાબુદ્દીન શેખ, એમની પત્ની કૌસર બી અને એમના સાથી તુલસીરામ પ્રજાપતિની હત્યાઓ ગુજરાત અને રાજસ્થાન પોલીસના વરિષ્ઠ અધિકારીઓના કાવતરાનું પરિણામ હતું. સોહરાબુદ્દીનના ભાઈએ કરેલ અરજીની રજૂઆતો કરતા એમના વકીલે બોમ્બે હાઈકોર્ટમાં રજૂઆતો કરી હતી.
રૂબાબુદ્દીનના વકીલ ગૌતમ તિવારીએ આક્ષેપો મૂક્યા કે મુખ્ય આરોપીઓ ગુજરાત એટીએસના અધિકારી ડી.જી. વણઝારા અને રાજકુમાર પંડિયન અને રાજસ્થાનના આઈપીએસ અધિકારી દિનેશ એમએન જેમને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એ બધાએ ભેગા મળી બનાવટી એન્કાઉન્ટર દ્વારા હત્યા કરવાનો કાવતરું ઘડ્યું હતું.
તિવારી ડિસ્ચાર્જ થયેલ દિનેશ એમ.એન. વિરૂદ્ધ દલીલો કરી રહ્યા હતા. એમણે કહ્યું કે દિનેશ નવેમ્બર ર૦૦પના વર્ષમાં અમદાવાદ ગયો હતો અને ગુજરાતના પોલીસ અધિકારીઓ સાથે મળ્યો હતો જે મુલાકાત સોહરાબુદ્દીન અને કૌસર બીની હત્યા કરવાના કાવતરાનો ભાગ હતી.
દિનેશે દાવો કર્યો હતો કે અમદાવાદ ટ્રેનિંગ માટે ગયો હતો પણ નવાઈની વાત એ છે કે એમના કોઈ પણ વડા અધિકારીઓને ટ્રેનિંગની ખબર પણ નથી. વધુમાં દિનેશે જણાવ્યું હતું કે એ સોહરાબુદ્દીનની ધરપકડ કરવા સંબંધિત પોલીસ અધિકારીને સાથે કેમ નહીં લઈ ગયો. એના બદલે એ પોતાની સાથે પણ જુનિયર અધિકારીઓને લઈ ગયો જે પણ આ ષડયંત્રનો ભાગ હતા.
સાક્ષીઓના નિવેદનોથી સાબિત થાય છે કે દિનેશ એમએન, વણઝારા અને પંડિયને ષડયંત્ર રચવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તિવારીએ કહ્યું સોહરાબુદ્દીન અને કૌસર બીની હત્યાઓ પછી પ્રજાપતિને ઉદેપુરની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યું હતું જ્યાં એ વારંવાર કહી રહ્યો હતો કે એને જીવનો ભય છે. એ બાબત એમણે માનવ અધિકાર પંચને પત્ર લખ્યો હતો. જેની તપાસ પણ દિનેશ એમએને જ કરી હતી. ઉદેપુર જેલના અન્ય કેદીઓએ પણ જુબાની આપી હતી અને જણાવ્યું હતું કે પ્રજાપતિનો જેલમાંથી ભાગવાની કોઈ યોજના ન હતી. પણ પ્રજાપતિને ભય હતું કે દિનેશ અને અન્યો એમની હત્યા કરશે. પોલીસે પછીથી દાવો કર્યો હતો કે એ કોર્ટમાં લઈ જતી વખતે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અમુક પોલીસ અધિકારીઓને ડિસ્ચાર્જ કરાયા છે જેની સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી ડિસ્ચાર્જને પડકારાયું છે. સુનાવણી રોજેરોજ થાય છે. સોહરાબુદ્દીનના એન્કાઉન્ટર પછી એમની પત્ની રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. જેની હત્યા કરવાની શંકા દર્શાવાતી હતી. પ્રજાપતિની પણ એ પછી એન્કાઉન્ટર દ્વારા હત્યા ર૦૦૬માં કરાઈ હતી. ૩૮ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ હતી જેમાંથી ૧પ આરોપીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.