(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
ચીન સાથે સરહદ પર વધતી તંગદિલી વચ્ચે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે સૈન્ય દળોની યુદ્ધ ક્ષમતા વધારવા માટે ૩૮,૯૦૦ કરોડ રૂપિયાના ખર્ચથી ૩૩ અગ્રિમ લડાકુ વિમાનો, મિસાઇલ સિસ્ટમ અને અન્ય સૈન્ય ઉપકરણોની ખરીદીને ગુરૂવારે મંજૂરી આપી દેવાઇ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૨૧ મિગ-૨૯ વિમાનો રશિયા પાસેથી જ્યારે ૧૨ એસયુ-૩ એમકેઇ વિમાન હિંદુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ પાસેથી ખરીદવામાં આવશે. મંત્રાલયે હાલના ૫૯ મિગ-૨૯ વિમાનોને ઉન્નત બનાવવાના એક અલગ પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે. અધિકારીઓએ કહ્યું કે, મંત્રાલયે ૨૪૮ અસ્ત્ર બીવીઆર સિસ્ટમની ખરીદીને પણ મંજૂરી આપી દીધી છે. જે હવાથી હવામાં લડાઇમાં સક્ષમ મિસાઇલ સિસ્ટમ સુપર સોનિક લડાકુ વિમાનો સાથે મુકાબલો કરી શકે છે અને તમામ પ્રકારના હવામાનમાં દિવસ-રાત હંમેશા તેના કામ કરવાની ક્ષમતા રહેશે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં સુરક્ષા ખરીદી પરિષદ(ડીએસી)ની બેઠકમાં આ નિર્ણય લેવાયા છે. ખરીદીના સંબંધમાં ડીએસી સુરક્ષા મંત્રાલયનું નિર્ણય લેનારૂં સર્વોચ્ચ એકમ છે. ડીએસીએ પિનાકા મિસાઇલ સિસ્ટમ સાથે જ લાંબા અંતર સુધી મારક ક્ષમતાવાળી મિસાઇલ સિસ્ટમની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે. તેની ક્ષમતા ૧,૦૦૦ કિલોમીટર સુધીની હશે. એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું છે કે, હાલની પરિસ્થિતિ અને આપણી સરહદો પર સુરક્ષા માટે સૈન્ય દળોને મજબૂત કરવા માટે ડીએસીએ આ નિર્ણયો કર્યા છે. પાછલા સાત અઠવાડિયાથી પૂર્વ લદ્દાખમાં ઘણા સ્થાનો પર ભારતીય અને ચીનની સેના વચ્ચે તંગદિલી વધુ ઘેરી બની છે. ગલવાન ખીણમાં ૧૫મી જૂને ભારતના ૨૦ જવાનોની શહાદત બાદ તંગદિલી વધુ ઘેરી બની હતી. ચીનની સેનાને પણ નુકસાન થયું હતું. પરંતુ તેણે સૈનિકોના મોત અંગે કોઇ ખુલાસો કર્યો ન હતો. ડીએસી દ્વારા મંજૂર કરાયેલા પ્રસ્તાવોમાં પિનાકા હથિયારની ખરીદી તથા અન્ય ઉપકરણોનો સમાવેશ થાય છે.
અધિકારીઓએ કહ્યું કે ૨૧ મિગ-૨૯ વિમાનો અને મિગ-૨૯ના હાલના બેડાને ઉન્નત બનાવવા અંગે અંદાજિત રીતે ૭,૪૧૮ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જ્યારે હિંદુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ પાસેથી ૧૨ નવા એસયુ-૩૦ વિમાનોની ખરીદી પર ૧૦,૭૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. મંત્રાલયના નિવેદનમાં કહેવાયું છે કે, ડીએસીએ આશરે ૩૮,૯૦૦ કરોડ રૂપિયાની ખરીદીને મંજૂરી આપી છે. મંત્રાલયે કહ્યું છે કે, સ્વદેશી ડિઝાઇન અને વિકાસ પર ભાર મુકવામાં આવ્યોે છે. આ મંજૂરીમાં ભારતીય ઉદ્યોગ પાસેથી ૧,૧૩૦ કરોડ રૂપિયાની ખરીદી પણ સામેલ છે. ઉપકરણોનું નિર્માણ ભારતમાં કરવામાં આવશે. અગ્રણી વિક્રેતા તરીકે અનેક એમએસએમઇની ભાગીદારીથી ભારતીય સુરક્ષા ઉદ્યોગ તેને પુરૂં કરશે. મંત્રાલયે કહ્યું છે કે, આમાં કેટલાક પ્રોજેક્ટમાં સ્વદેશી સામગ્રીનો ખર્ચ પ્રોજેક્ટના ખર્ચના ૮૦ ટકા જેટલો હશે.