નવી દિલ્હી,તા.૪
કો-ઓપરેટીવ ક્ષેત્રે મોટું નામ ધરાવતી અમૂલે આ વખતે ઈંગ્લેંડ અને વેલ્સમાં રમનારા ક્રિકેટ વર્લ્ડકપમાં પહેલીવાર ભાગ લઇ રહેલી અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમને સ્પોન્સર કરવાનો નિર્ણય કર્યો છે. આવું પહેલી વાર નથી કે અમૂલ દ્વારા કોઈ દેશની ક્રિકેટ ટીમને સ્પોન્સર કરવામાં આવી હોય, અગાઉ ૨૦૧૧ના ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ સ્પોન્સર કરી હતી. કંપનીના મેનેજીંગ ડિરેક્ટર આર. એસ. સોઢીના જણાવ્યા મુજબ, ક્રિકેટ જેવી રમત સમગ્ર વિશ્વમાં જાણીતી છે અને તેને જોનારો વર્ગ પણ બહોળો છે. આ રમત સાથે જોડાવાથી અમૂલને વૈશ્વિક બજારમાં માર્કેટિંગ અને બ્રાન્ડિંગમાં સારો ફાયદો થશે. આ સ્પોન્સરશીપ માટે અમૂલ અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે અંતિમ તબક્કાની વાતચીત ચાલુ છે અને આ અંગેની જાહેરાત આવતા મંગળવારે કરવામાં આવશે.
આ પહેલા કંપનીએ ૨૦૧૧માં ભારતમાં રમાયેલા ક્રિકેટ વર્લ્ડકપમાં નેધરલેંડની ટીમને સ્પોન્સર કરી હતી. જયારે ૨૦૧૭માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડની ટીમ સાથે જોડાણ કરીને સ્પોન્સર કરી હતી. સોઢીએ જણાવ્યું કે, અમે ક્રિકેટ સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા છીએ અને આ ઉપરાંત ભારતીય ઓલમ્પિકના ખેલાડીઓને અમે અલગ અલગ ટુર્નામેન્ટ માટે પણ સ્પોન્સર કરીએ છીએ.