વોશિગ્ટન,તા.૩૦
અમેરિકાની મહિલા રેસર એલિસન ફેલિક્સે કતારની રાજધાની દોહામાં રવિવારે વર્લ્ડ એથલેટિક્સની ૪*૪૦૦ મીટરની મિક્સ્ડ રિલેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફેલિક્સનું આ ૧૨મુ વર્લ્ડ ટાઇટલ છે. તેણે સૌથી વધુ ગૉલ્ડ જીતનાર જમૈકાના ઉસેન બોલ્ટ (૧૧ ગોલ્ડ)ને પાછળ છોડ્યો હતો. ફેલિક્સે પહેલો ગોલ્ડ ૨૦૦૫માં પોતાના નામે કર્યો હતો. ૩૩ વર્ષીય ફેલિક્સે ૨૦૦ મીટરમાં ત્રણ, ૪૦૦ મીટરમાં એક, ૪*૧૦૦ મીટર રિલેમાં ત્રણ અને ૪*૪૦૦ મીટર રિલેમાં ચાર ટાઇટલ પોતાના નામે કર્યા હતા. બીજી તરફ બોલ્ટે ૧૦૦ મીટરમાં ત્રણ, ૨૦૦ મીટરમાં ચાર, ૪*૧૦૦ મીટર રિલેમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યો હતો.ફેલિક્સની સાથે વિલવર્ટ લંદન, કર્ટની ઓકોલો અને માઈકલ કેરી રેસમાં ઉતર્યા હતા. ચારેયે મળીને ૩ મિનિટ ૯.૦૪ સેકેન્ડમાં રેસ પૂરી કરી હતી. આ ઇવેન્ટનો આ વર્લ્ડ રેકોર્ડ છે. ભારતના મોહમ્મદ અનસ, વિસમૈયા, જિસના મેથ્યુ અને નિર્મલ ટોમ સાતમા સ્થાને રહ્યા હતા.