નવી દિલ્હી,તા.૧૯
વિશ્વ કપની ભારતીય ટીમને જોઇએ તો બેટિંગ લાઇનઅપ સ્પષ્ટ જોવા મળી રહી છે. ખાલી ચોથા નંબરને લઇને કેટલીક શંકાઓ હતી, જેને ટીમની જાહેરાત કરતા એમએસકે પ્રસાદે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે વિરાટ કોહલી આ વિશે પોતાના વિકલ્પ ખુલ્લા રાખવા ઇચ્છે છે. વિરાટ કોહલીએ કહ્યું કે વિજય શંકર ટીમ ઇન્ડિયાને યોગ્ય સંતુલન પ્રદાન કરે છે. જો કે એ સ્પષ્ટ નથી કર્યું કે તે કયા નંબર પર બેટિંગ કરશે.
એમએસકે પ્રસાદે કહ્યું હતુ કે, “વિજય શંકર ચોથા નંબર માટે પહેલી પસંદ છે. કેદાર જાધવ અને દિનેશ કાર્તિક પણ આ નંબર માટે વિકલ્પ તરીકે છે.” જો કે વિરાટ કોહલીએ કહ્યું કે, “અમે વિશ્વ કપને લઇને બધી ચીજો સ્પષ્ટ કરી દીધી છે. દરેક સમસ્યાને દૂર કરી દેવામાં આવી છે. કયો ખેલાડી કયા નંબર પર રમશે તેનો નિર્ણય પછી કરવામાં આવશે.” જો કે કોહલીનાં આ નિવેદનથી સ્પષ્ટ છે કે તે ચોથા નંબરની વાત કરી રહ્યો હતો કારણ કે ટીમનાં ઑપનર, નંબર ૩ અને નંબર ૫ પર ધોની નક્કી છે.વિરાટ કોહલીએ આ પહેલા એમએસકે પ્રસાદનાં વિજય શંકરને લઇને કરાયેલા નિવેદનનું સમર્થન કર્યું. પ્રસાદે કહ્યું કે, “વિજય શંકર ૩-ડી (થ્રી ડાયમેંશન)વાળો ખેલાડી છે. તે બેટિંગ, બૉલિંગ અને શાનદાર ફીલ્ડિંગ કરી શકે છે.” કોહલીએ પણ કહ્યું કે, “તે (વિજય શંકર) પૂર્ણ બેટ્‌સમેન છે. તે અમને વિકલ્પ આપે છે.”