નવી દિલ્હી, તા.૧૮
વેસ્ટઇન્ડિઝના સ્ફોટક બેટ્‌સમેન ક્રિસ ગેલ વર્લ્ડ કપ બાદ ઇન્ટરનેશનલ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તી લેશે. વેસ્ટઇન્ડિઝના ક્રિકેટરે ટ્‌વીટ કરીને આ વાતની જાણકારી વહેતી કરી હતી. વર્લ્ડ કપ આ વર્ષે મે થી જુલાઇ સુધી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાશે. ૧૯૯૯માં ડેબ્યુ કરનારા ગેલ વેસ્ટઇન્ડિઝ તરફથી સૌથી વધુ સદી લગાવનારા બેટ્‌સમેન છે. એટલું જ નહીં તેઓ વેસ્ટઇન્ડિઝ તરફથી બ્રાયન લારા બાદ વનડેમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્‌સમેન છે.
ગેલે અત્યાર સુધી ૨૮૪ વનડે મેચોમાં ૯૭૨૭ રન બનાવ્યા છે, જેમાં ૨૩ સદી અને ૪૯ અડધી સદી સામેલ છે. વનડેમાં ૧૦,૪૦૫ રનનો રેકોર્ડ બ્રાયન લારાના નામેછે. ૩૯ વર્ષના ગેલે ૨૦૧૫માં વર્લ્ડ કપમાં ઝિમ્બાવે વિરુદ્ધ ૨૧૫ રન ફટકાર્યા હતા જે વેસ્ટઇન્ડિઝના અત્યાર સુધીના કોઇપણ બેટ્‌સમેનનો સર્વોચ્ચ સ્કોર છે. બેટિંગની સાથે ગેલ બોલિંગ અને ફીલ્ડિંગમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. ગેલે અત્યાર સુધી ૧૬૫ વિકેટ લીધી છે. આ સિવાય તેમણે અત્યાર સુધી ૧૨૦ કેચ કર્યા છે. ગેલે આઇપીએલની ૧૧ સીઝનમાંથી ૧૦ સીઝન રમી હતી. તેમણે ૧૦ સીઝનમાં ૧૧૨ મેચ રમી છે અને ૩૯૯૪ રન બનાવ્યા છે. ગેલ આઇપીએલમાં સૌથી વધુ રન બનાવનારા બીજા વિદેશી ખેલાડી છે.