(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
વિશ્વના સૌથી ખુશ દેશોની યાદી છેલ્લા ૧૦ વર્ષથી તૈયાર કરવામાં આવી રહી છે. તમને થશે કે આપણે એ નક્કી કઇ રીતે કરી શકીએ કે કોણ વધારે ખુશ છે ? પણ આ યાદીને તૈયાર કરવા માટે માટે ફક્ત ખુશી જ નહીં પણ લોકોની ખુશીના મૂલ્યાંકનની સાથે સાથે આર્થિક અને સામાજિક ડેટા પણ જોવામાં આવે છે. તેની ગણતરી માટે ત્રણ વર્ષનો ડેટા લેવામાં આવે છે. વધુમાં, સુખ શૂન્યથી ૧૦ સુધીના સ્કેલ પર માપવામાં આવે છે. યુએનનો આ રિપોર્ટ રશિયા યુક્રેન પર આક્રમણ કરે તે પહેલા જ તૈયાર કરવામાં આવ્યો હતો. વિશ્વનો સૌથી સુખી દેશ કયો છે ? આ પ્રશ્નનો જવાબ ફિનલેન્ડ છે. હા, ફિનલેન્ડ સતત પાંચમાં વર્ષે સૌથી ખુશ દેશની રેન્કિંગમાં ટોચ પર છે. આ સાથે ટોચના પાંચ દેશોમાં ડેનમાર્ક, આઈસલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ અને નેધરલેન્ડ સામેલ છે. યુએસ ૧૬મા અને યુકે ૧૭મા ક્રમે છે. ભારતની વાત કરીએ તો, આપણો દેશ આ રેન્કિંગમાં ૧૩૯મા ક્રમે છે. સૌથી ખાસ અને આશ્ચર્યજનક વાત એ છે કે પાડોશી દેશ પાકિસ્તાન પણ ૧૨૧માં સ્થાન પર છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલી આ યાદીમાં સર્બિયા, બલ્ગેરિયા અને રોમાનિયા એવા કેટલાક દેશો છે જ્યાં સારી રીતે જીવન જીવવાની સ્થિતિમાં સુધારો થયો છે. બીજી તરફ, લેબનોન, વેનેઝુએલા અને અફઘાનિસ્તાન એવા દેશો છે જે આ યાદીમાં છેલ્લા સ્થાને છે. લેબનોન આ યાદીમાં ૧૪૪મા ક્રમે છે. આ દિવસોમાં આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે, જ્યારે ઝિમ્બાબ્વે ૧૪૩મા સ્થાને છે. ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાન ફરી સત્તામાં આવ્યા ત્યારથી યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન પહેલેથી જ યાદીમાં સૌથી નીચે છે. યુનિસેફે અનુમાન લગાવ્યું છે કે, જો મદદ પૂરી પાડવામાં ન આવે તો પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૧૦ લાખ બાળકો આ શિયાળામાં ભૂખે મરશે. ટોચના ૨૦ દેશોની યાદી (કૌંસમાં આપેલ છે ગત વર્ષની સરખામણીમાં થયેલ સ્થાન પરિવર્તન) ફિનલેન્ડ (=), ડેનમાર્ક (=), આઇસલેન્ડ (૧) , સ્વિત્ઝરલેન્ડ (-૧), નેધરલેન્ડ (=), લક્ઝમબર્ગ (૨), સ્વીડન (=), નોર્વે (-૨), ઇઝરાયેલ (૩), ન્યુઝીલેન્ડ (-૧), ઓસ્ટ્રિયા (૧), ઓસ્ટ્રેલિયા (-૧), આયર્લેન્ડ (૨), જર્મની (-૧), કેનેડા (-૧), યુનાઇટેડ સ્ટેટ્સ( ૩), યુનાઇટેડ કિંગડમ (=), ચેક રિપબ્લિક (=), બેલ્જિયમ (૧), ફ્રાન્સ (નવા પ્રવેશકર્તા).
વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ ૨૦૨૨ : ભારત પાકિસ્તાનથી પાછળ, ફિનલેન્ડ સળંગ પાંચમા વર્ષે આ યાદીમાં ટોચ પર

Recent Comments