ગાંધીનગર, તા.ર૪
ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકારના ઠરાવ મુજબ તાતા મોટર્સ કંપનીને નેનો કાર બનાવવા માટે સરકારે ટોકન કિંમતે જમીનો આપી હતી. આ નેનોના પ્લાન્ટમાં નિયમ મુજબ દર વર્ષે લઘુત્તમ અઢી લાખ જેટલી નેનો કારનું ઉત્પાદન કરવાનું હતું તેની સામે બે વર્ષમાં માત્ર ૧૪ હજાર જેટલી નેનો કારનું ઉત્પાદન થયું હોવાનું સરકારના આંકડા બતાવે છે ત્યારે ખરેખર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે કરેલા ઠરાવની શરતો પૈકી કાર ઉત્પાદન કરવાની શરતનો જાણે અમલ જ ન થયો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. તાતા મોટર્સ લિ. દ્વારા નેનો કારનું ઉત્પાદન કરવા મુદ્દે વિધાનસભામાં પ્રશ્ન પૂછાયો હતો કે, ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુસર સરકારના વર્ષ ર૦૦૯ના ઠરાવની શરતો પૈકીની શરત મુજબ તાતા મોટર્સે પ્રથમ ફેઝમાં દર વર્ષે કેટલી નાનો કારનું મહત્તમ ઉત્પાદન કરવાનું હતું અને ડિસે.ર૦૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કંપનીએ કેટલી નેનો કારનું ઉત્પાદન કર્યું ? પ્રશ્નના જવાબમાં સરકારે લેખિતમાં કબૂલાત કરી હતી કે પ્રથમ ફેઝમાં દર વર્ષે ર,પ૦,૦૦૦ નેનો કારનું ઉત્પાદન કરવાનું હતું જેમાં વર્ષ ર૦૧૬માં ૧૧૩ર૩ નેનો કારનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું અને વર્ષ ર૦૧૭માં ૩૧ર૦ નેનો કારનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. એટલે બે વર્ષમાં કુલ ૧૪૪૪૩ નેનો કારનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સાણંદમાં નેનો કારનો પ્લાન્ટ સ્થાપવા સરકારે પાણીના ભાવે જમીનો પધરાવી દીધી છે પરંતુ તેમાં સ્થાનિકોને રોજગારી પૂરી પાડવામાં આવી નથી તેવા આક્ષેપો છાશવારે થાય છે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે કરેલા ઠરાવોની શરતો મુજબ તાતા કંપનીએ દર વર્ષે લઘુત્તમ અઢી લાખ નેનો કારનું ઉત્પાદન કરવાનું હતું તેની સામે બે વર્ષમાં માત્ર ૧૪૪૪૩ નેનો કારનું ઉત્પાદન થયું છે. જે સરકારના ઠરાવની શરતોના લઘુત્તમ આંકડાની સામે મહત્તમ પણ નથી. તેવું કહીએ તો નવાઈ નહીં એટલે કે નેનો પ્લાન્ટમાં નિર્ધારિત લક્ષ્યાંક કરતાં ઓછી કારોનું ઉત્પાદન થયું તે જ દર્શાવે છે કે આ પ્લાન્ટમાં સ્થાનિકોને રોજગારી ઓછી મળે છે તેવા આક્ષેપો કેટલાક અંશે સાચા ઠર્યા છે.