કચ્છમાં રિન્યુઅલ એનર્જી પાર્ક સહિતના વિકાસ કાર્યોના ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન
• માંડવી ઉપરાંત દહેજ, દ્વારકા, ઘોઘા અને ગીર સોમનાથમાં ડિસેલીનેશન પ્લાન્ટ બનાવાશે : વિજય રૂપાણી
• કોરોના કાળમાં પણ ગુજરાતે ૧.રપ લાખ કરોડનું ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ હાંસલ કર્યું
ગાંધીનગર, તા.૧પ
કચ્છમાં હાઈબ્રીડ રિન્યુઅલ એનર્જી પાર્ક, ડિસેલીનેશન પ્લાન્ટ સહિતના વિકાસના કાર્યોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વર્ષ ર૦રર સુધીમાં ૩૦ હજાર મેગા વોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવાનો ગુજરાતનો લક્ષ્ય છે. જ્યારે માંડવી ઉપરાંત દહેજ, દ્વારકા, ઘોઘા, ગીર સોમનાથમાં પણ ડિસેલીનેશન પ્લાન્ટ આગામી સમયમાં બનશે. કોરોના કાળમાં પણ ગુજરાતે ૧.રપ લાખ કરોડનું ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ હાંસલ કર્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાડા છ કરોડ ગુજરાતીઓ વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ઉદ્યોગ, વેપાર અને પ્રવાસનના સમન્વય સમા કચ્છે છેલ્લા દોઢ દશકામાં વિકાસની નવી ઉંચાઇ પ્રસ્થાપિત કરી છે.
મુખ્યમંત્રીએ ગ્રીન એનર્જીનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ વિશ્વ આખામાં ગ્રીન એનર્જીની કેડી કંડારી છે. આ ક્ષેત્રે ગુજરાત પણ દેશભરમાં અગ્રેસર રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતે ૧૧ હજાર મેગાવોટ ક્ષમતાની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી છે અને ૨૦૨૨ સુધીમાં ૩૦ હજાર મેગા વોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન લક્ષ્ય છે જેમાં વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં રાજયમાં સોલાર રૂફટોપ યોજના અમલી બનાવી ૮૦૦ મેગાવોટ સૌર ઉર્જા ઉત્પાદિત કરી છે. દેશમાં સૌ પ્રથમ સોલાર પોલીસીની સાથે સાથે “સૂર્ય ગુજરાત યોજના” પણ શરૂ કરી છે. પાટણ જિલ્લામાં ચારણકા સોલાર પાર્કની ક્ષમતા વધારવાની સાથે સાથે ધોલેરામાં પણ ૧૦૦૦ મેગાવોટનો સોલારપાર્ક તથા અન્યત્ર ૭૦૦ મેગાવોટના રાધા નેસડા સોલારપાર્કનું નિર્માણ પણ આગામી સમયમાં હાથ ધરાશે. આ રીતે ગુજરાત રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ અનોખું સ્થાન બનાવ્યું છે. આજે વિશ્વના સૌથી મોટા હાઇટેક રીન્યુએબલ એનર્જી ડિસેલીનેશન પ્લાન્ટ તથા સરહદ ડેરીના ઓટોમેટીક મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટનો શિલાન્યાસ થયો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, માંડવીમાં બનનારા ડિસેલીનેશન પ્લાન્ટથી પ્રતિદિન સમુદ્રના ૧૦ કરોડ લીટર પાણીનું પીવા યોગ્ય બનાવવાની ક્ષમતા છે. માંડવી ઉપરાંત દહેજમાં દશ કરોડ લીટર, દ્વારકા અને ઘોઘા પ્રત્યેકમાં ૭ કરોડ લીટર અને ગીર સોમનાથમાં ૩ કરોડ લીટર પાણીની ક્ષમતાવાળા ડિસેલીનેશન પ્લાન્ટ આગામી સમયમાં બનશે. તેના પગલે પ્રતિદિન દરિયાનું ૩૭ કરોડ લીટર પાણીને પીવાલાયક બનાવાશે. ગુજરાતે પીવાના પાણીની ઉપલબ્ધિમાં એક આગવું સામર્થ્ય હાંસલ કર્યું છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે જ્યાં ૩૦ ટકા વિસ્તારમાં ૭૦ ટકા વરસાદ પડે છે અને ૭૦ ટકા વિસ્તારમાં ૩૦ ટકા વરસાદ પડે છે આ પરિસ્થિતિમાં પણ ગુજરાતે જળવ્યવસ્થાપનના પગલે આજે ગુજરાતે ૮૦ ટકા વિસ્તારમાં નળ દ્વારા પાણી પહોંચાડ્યું છે. છેલ્લા આઠ માસમાં ૯ લાખ ઘરોમાં નળ દ્વારા પાણી પહોંચાડ્યું છે અને દરેક ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવામાં કટિબદ્ધ છે, તેમ તેમણે ઉમેર્યું હતું. પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના સામે ગુજરાતને એક અભિયાન સ્વરૂપે ઝુંબેશ હાથ ધરી છે અને રાજયના વિકાસને અવરોધક બનવા નથી દીધો. છેલ્લા પાંચ મહિનામાં રાજયમાં ૧૭ હજાર કરોડના વિકાસકામો શરૂ કર્યા છે. કોરોનાને કારણે વિશ્વ આખામાં મંદીની અસર દેખાઇ છે પરંતુ દેશમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ૧૫ ટકાનો વધારો થયો છે. કોરોના કાળમાં પણ ગુજરાતે ૧.૨૫ લાખ કરોડનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હાંસલ કર્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રીન્યુએબલ એનર્જી પાર્કના શિલાન્યાસ સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌર ઊર્જાના જન્મદાતા છે. તેમના દૃષ્ટિવંત નેતૃત્વ અને દીર્ઘદ્રષ્ટિ પૂર્ણ આયોજનના પરિણામે ઓછા સમયમાં દેશમાં ૩૬ હજાર મેગાવોટથી વધુ સૌર ઊર્જાની ક્ષમતા હાંસલ કરી શકયા છીએ.
મંત્રી પટેલે કહ્યું કે, રીન્યુઅલ એનર્જી માટેનો આ પ્રોજેક્ટ કચ્છ જિલ્લામાં ૬૦ હજાર હેક્ટર વિસ્તારમાં સ્થાપિત થવા જઇ રહ્યો છે. આ હાઇબ્રીડ રિન્યુએબલ પાવર પ્લાન્ટ સૌર ઊર્જા ક્ષેત્રે ગુજરાતને નવી દિશા આપશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ કે, જ્યારે ૩૦ ગીગાવોટનો આ પાવર પ્લાન્ટ શરૂ થશે. તેનાથી ૬૦,૦૦૦ મિલિયનથી વધુ ક્લીન અને ગ્રીન ઊર્જા ઉત્પન્ન થશે. જેનાથી ૬૦ મિલિયન ટન ઓછા કાર્બનનું ઉત્સર્જન થશે. એટલું જ નહી ૪૦ મિલિયન ટન કોલસાની બચત પણ થશે અને વાર્ષિક ૨૫ હજાર લોકોને રોજગારી મળશે. ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યોને પણ ઊર્જા પૂરી પડાશે તથા અન્ય રાજ્યોને પણ ઊર્જાની સાથે સાથે અન્ય ઉદ્યોગ ગૃહોને રોજગારી માટે મદદ પણ મળશે.
Recent Comments