૧૨-૧૩ નંબરની જોગવાઈને પડકારતી અપીલો માન્ય રખાઈ, પુરૂષોની જેમ મહિલાઓને ઓપન કેટેગરી અને અનામતના મળશે લાભ

ગાંધીનગર,તા.૧

રાજ્યમાં મહિલા અનામતની અમલવારી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ગુજરાત જાહેર સેવા આયોગને નિર્દેશ કર્યા છે. મહિલા અનામતની જોગવાઇઓના પાલન માટે માર્ગદર્શિકા જાહેર કરી અને સીધી લીટીની અનામતની અમલવારી કરવા સમજણ આપી છે.

૭ તબક્કામાં મહિલા અનામતની જોગવાઇઓની અમલવારી કરવા સુચન કરવામાં આવ્યું છે. મહિલાઓ માટેના હોરિઝોન્ટલ રિઝર્વેશન માટે હાઇકોર્ટે દ્રષ્ટાન્ત આપ્યા છે. જો ૧૦૦ બેઠક પરની ભરતી હોય તો સીધી લિટીની મહિલા અનામત માટેનો દાખલો આપ્યો છે. જેમ કે ૧૦૦ બેઠકો પર ઓપન કેટેગરીમાં ૧૭ મહિલાઓ, અનુસૂચિત જાતિમાં ૪ મહિલાઓ અનુસૂચિત જનજાતિમાં ૬ મહિલાઓ અને સામાજિક અને આર્થિક રીતે પછાતવર્ગની કેટેગરીમાં સાત મહિલાઓ માટે અનામત રાખવી. મહિલાઓ માટેની ૩૩% મહિલા અનામત જે તે કેટેગરીમાં પૂર્ણ કરવામાં મહિલાઓની સંખ્યા ખૂટતી હોય તો મેરીટ લિસ્ટમાં જે તે કેટેગરીમાં પુરૂષ ઉમેદવારની એટલી સંખ્યા ઘટાડી ત્યાં મહિલાઓનો સમાવેશ કરવો.

તો મહિલા અનામતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. અનામત મુદ્દે રાજ્ય સરકારે ૧-૮-૨૦૧૮ના પરિપત્રની અમુક જોગવાઈને હાઈકોર્ટે રદ્દ કરી છે. જેમાં પરિપત્રની ૧૨ અને ૧૩ નંબરની જોગવાઈને પડકારતી અપીલોને કોર્ટે માન્ય રખી છે. ઠરાવ પ્રમાણે અનામત કેટેગરીમાં આવતી મહિલાનો મેરીટમાં સમાવેશ થતો હોય પણ જો તેણે મહિલા અનામતના માટે લેવી હોય તો તેને જે તે અનામત કેટેગરીમાં ગણી શકાય

મહત્વનું છે કે, સરકારના પરિપત્રની આ જોગવાઈ ભરતી નિયમોથી વિપરીત હોવાની કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. કોર્ટના આ હુકમની સીધી અસર મેરીટ પ્રમાણે ઓપન કેટેગરીમાં આવતી મહિલા ઉમેદવારોને થશે. આ ઓપન કેટેગરીમાં જ ગણવી અને જે તે અનામતની કેટેગરીમાં ન ગણવી. હવે પુરુષોને ઓપન કેટેગરી અને અનામતના જે પ્રમાણે લાભ મળતા હતા તે જ પ્રમાણેના લાભ હવે મહિલાઓને પણ ઓપન કેટેગરી અને અનામતના લાભ મળશે. હાઇકોર્ટનાં ચુકાદાને દિનેશ બાંભણીયા દ્વારા આવકારવામાં આવ્યો છે. દિનેશ બાંભણીયાએ મીડિયાને જણાવ્યું કે, અમારી આ જ માંગ હતી સરકાર પાસે પરંતુ સરકારે અમારી માંગણી સ્વિકારી નહી. અમારે હાઇકોર્ટમાં જવું પડ્યું હતું. જો કે હવે હાઇકોર્ટ દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવતા તમામ બાબતો સ્પષ્ટ થઇ ચુકી છે. અમે હાઇકોર્ટનાં ચુકાદાને સ્વિકારીએ છીએ.