(સંવાદદાતા દ્વારા)
પાલેજ, તા.૩૧
વલણ તાલુકો તેમજ કરજણ વિસ્તારમાં પ્રસરતા કોરોના પોઝિટિવ દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે અને વલણ તેમજ પાલેજ પંથકની જનતાને ભરૂચ વડોદરા સુધી ના જવું પડે અને નજીકમાં જ સારવાર મળી રહે એ હેતુસર વડોદરા જિલ્લા કલેક્ટરની પરવાનગીથી વલણ ખાતે ૩૧ જુલાઈને શુક્રવારે બપોરે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત વલણ હોસ્પિટલમાં કોવિડ-૧૯ સેન્ટર તથા આઈસોલેશન વોર્ડ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. પાલેજથી માત્ર દોઢ કિ.મી.ની અંતરે આવેલ વલણ સાર્વજનિક હોસ્પિટલ ખાતે શુક્રવારના રોજ વડોદરા જમનાબાઈ હોસ્પિટલના નિષ્ણાત તબીબો ડૉક્ટર આર.એસ.રાય, ડૉક્ટર જીગનાબેન દલવાડી, ડૉક્ટર જૈમિન ઘોસએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. મૌલાના સીરાજ ભાદી હસ્તે હોસ્પિટલના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં દુઆ કરવામાં આવી હતી જેથી દવા અને દુઆ બંનેના સહયોગથી કોરોના જેવી મહામારી જેવી બીમારીને મ્હાત આપી શકાય. વલણ સાર્વજનિક હોસ્પિટલમાં આઈસોલેશન માટે ૫૦ જેટલા બેડ સાથે ક્વોરન્ટાઈન સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે. વેન્ટિલેટર બાઈપેક તેમજ ડિજિટલ એક્ષરેની સુવિધા અને ઓક્સિજનની પણ પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પ્રસંગે મૌલાના સીરાજ ભાદી (ઉસ્તાદ દારૂલ ઉલૂમ કંથારિયા તા. જિ.ભરૂચ) તેમજ વલણ વેલ્ફેર હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલભાઈ વલીભાઈ મટક હોસ્પિટલ કમિટીના સદસ્યો હોસ્પિટલની જવાબદારી સંભાળતા ટ્રસ્ટના સેક્રેટરી ઈકબાલભાઈ ઈખરિયા ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યુનુસભાઈ અમદાવાદી વલ્ડ વોરા ફેડરેશન ઈન્ડિયા પ્રમુખ (ચેપટર) સલીમભાઈ ફાંસીવાલા વેલફેર હોસ્પિટલ ભરૂચ દ્વારા વલણ હોસ્પિટલને પૂરતા સહયોગની ખાત્રી પાઠવી હતી. આ ઉપરાંત યુ.કે.માં વસવાટ કરતાં જર્મન બ્રધર્સ મોહંમદભાઈ જર્મન, બસીરભાઈ દાણા, યુસુફભાઈ વલીભાઈ મટક, કારી યાકુબભાઈ નાનજી અને અન્ય મહાનુભાવોએ જેમનું અમૂલ્ય યોગદાન વલણ હોસ્પિટલ સાથે સંકળાયેલું છે તેઓ સર્વેએ ટ્રસ્ટી મંડળને યુ.કે.થી શુભેચ્છાઓ પાઠવી હતી.