વલસાડ, તા.૨૮
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વધુ એક મુસ્લિમ પરિવારના ઘરે લૂંટારૂઓ ત્રાટક્યા હતા. કપરાડાના મોટી વહિયાળ ખાતે રહેતા એક મુસ્લિમ પરિવાર રાત્રે સુતો હતો ત્યારે મોઢા પર રૂમાલ બાંધીને આવેલા ૬ લૂંટારૂઓએ તેમને લાકડાના ફાડચા બતાવી બાનમાં લઇ તેમની તિજોરીમાંથી રૂા.૫૦ હજાર રોકડા અને સોના-ચાંદીના જુદા જુદા ઘરેણા મળી કુલ રૂા.૧,૦૦,૨૦૦ની લૂંટ કરી ગયા હતા. કપરાડા તાલુકાના મોટી વહિયાળ ગામે રહેતા મહોંમદ ઇદરીશખાન, મહોમદ સિંધીનો પરિવાર સૂતો હતો ત્યારે તેમના ઘરના પાછળના ભાગે રસોડામાંથી જીન્સ અને ટી-શર્ટ પહેરેલા ૬ લૂંટારૂઓ પ્રવેશ્યા હતા. તેઓ ઘરમાં પ્રવેશી મહોમદ ઇદરીશના પરિવારને ઉઠાડી તેમને લાકડા બતાવી ધમકાવ્યા અને ડરાવ્યા હતા. ત્યારબાદ તેમણે તેમની પાસેથી તિજોરીની ચાવી માંગી હતી. ગભરાયેલા મુસ્લિમ પરિવારે તિજોરીની ચાવી આપી દેતાં આ લૂંટારૂઓ તિજોરીમાંથી રૂા.૫૦ હજાર રોકડા અને સોના-ચાંદીના ઘરેણામાં ચેન, વીટી, બુટ્ટી વગેરે મળી કુલ રૂા.૧,૦૦,૨૦૦ના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ ઘટના સંદર્ભે પરિવારે ૧૦૦ નંબર પર પોલીસને જાણ કરી હતી. પોલીસ આવે એ પહેલાં લૂંટારૂઓ અદૃશ્ય થઇ ગયા હતા. કપરાડામાં આ અગાઉ બેથી ત્રણ મહિના અગાઉ નાની વહિયાળ ગામે પણ મુસ્લિમ પરિવારના બંગલામાં લૂંટ થઇ હતી. જેમાં એનઆરાઇ સંબંધીઓ આવ્યા હતા ત્યારે તેમના ઘરમાં લૂંટારૂઓ લાખો રૂપિયાની લૂંટ કરી ગયા હતા. ત્યારબાદ આ ઘટના બનતા કપરાડાના મુસ્લિમ પરિવારોમાં ગભરાહટની લાગણી ફેલાઇ ગઇ છે.