(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨
આણંદ તાલુકાના વલાસણ ગામનાં ઢેબાકુવામાં રહેતા એક પરિવારનાં ચાર સભ્યો રહસ્યમય રીતે લાપતા થઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસે જાણવાજોગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર વલાસણ ગામનાં ઢેબાકુવામાં પાણીની ટાંકી પાસે રહેતા સચીનભાઈ પરષોત્તમભાઈ સોલંકીની પત્ની હિનાબેન (ઉ.વ.૨૮) ગઈકાલે રાત્રીના સુમારે ઘરેથી કોઈને કંઈ કહ્યા સિવાય કયાંક ગુમ થઈ જતા સચિનભાઈ તેમની દીકરી ઈશિકા (ઉ.વ.૯) અને પુત્ર આકાસ ઉર્ફે હેત (ઉ.વ.૭)ને લઈને પત્ની હિનાબેનની શોેધખોળ કરવા માટે નિકળ્યા હતા. પરંતુ પત્ની હિનાને શોધવા નિકળેલા સચીનભાઈ પણ પોતાના બંને બાળકો સાથે ઘરે પરત નહીં આવી લાપતા બની જતા તેમનાં પરિવારજનોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી અને તેઓએ હિનાબેન તેમજ સચિન અને બંને બાળકોની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ એક જ પરિવારનાં ચારેય લાપતા થયેલા દંપતી અને બાળકોનો કોઈ પત્તો નહીં લાગતા આ બનાવ અંગે સચિનભાઈનાં ભાઈ મનિષભાઈ પરસોત્તમભાઈ સોલંકીએ વલ્લભવિદ્યાનગર પોલીસને જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવારનાં ચાર જણા ગુમ થઈ જતા ચકચાર મચી જવા પામી છે.