(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૨૧
વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટીમાં છેલ્લા કેટલાક સમયથી કુલપતિ અને સિન્ડીકેટ મેમ્બર અલ્પેશ પુરોહીત વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, અને આ વિવાદને લઈને સિન્ડીકેટ મેમ્બર અલ્પેશ પુરોહીત દ્વારા કુલપતિ અને રજીસ્ટ્રાર સામે ભ્રષ્ટ્રાચારને લઈને વલ્લભવિદ્યાનગર પોલીસ અને પોલીસ અધિક્ષક સમક્ષ લેખીત ફરીયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી વિગતો અનુસાર સરદાર પટેલ યુનીવર્સીટીનાં સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહીત દ્વારા વલ્લભવિદ્યાનગર પોલીસ મથકનાં પી.આઈ અને પોલીસ અધિક્ષક આણંદ જિલ્લાને સંબોધીને કરાયેલી લેખીત ફરીયાદમાં જણાવ્યા અનુસાર વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં સીક્યુરીટી અંગેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. તા. ૧-૭-૨૦૧૮ થી ૩૦-૬-૨૦૨૦ સુધીનો કોન્ટ્રાક્ટ આપવાનો હતો. યુનિ.એ રજીસ્ટ્રાર મારફતે સીક્યુરીટી ઈ-ટેન્ડર બહાર પાડ્‌યું હતું. તેમાં કુલ બે વર્ષ સુધીના વાર્ષિક ભાવપત્રક કરાર અંગેના ભાવપત્રક મંગાવાયા હતા. તેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે લઘુતમ વેતન ધારો, પ્રોવિડંડ ફંડ ધારો, વર્કસ કોમ્પન્સેશન ધારો, ઈએસઆઈ ધારો તથા તમામ સર્વિસ ચાર્જ, સર્વિસ ટેક્સ, જીએસટી, તમામ વેરાનો ભાવ આપવાનો રહેશે. અન્યથા જે તે ભાવપત્રક ધ્યાન પર લેવામાં આવશે નહી.
યુનિ.એ ૧૬-૫-૨૦૧૮ ના રોજ જાહેરાત આપી હતી અને ટેન્ડર મોકલવાની અંતિમ તા. ૧ જુન ૨૦૧૮ હતી. ફીજીકલ ડોક્યુમેન્ટ જમા કરાવવાની તા. ૨ જુન હતી. અને ઓનલાઈન ટેન્ડર તા. ૫ જુન ૨૦૧૮ ના રોજ ખોલવાનો હતો. આમ છતાંય વડોદરાની ન્યુઝેન સીક્યુરીટી સર્વિસનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું.
આરટીઆઈમાં સ્પષ્ટ માહિતી મળી છે કે ઈ-ટેન્ડર ન્યુઝેન સીક્યુરીટીનું મંજુર થયું. તેમાં લઘુતમ વેતન ધારો, પીએફ, વર્કસ કોન્પસેસન્સ ધારો, પાન કાર્ડ, લેબર લાયસન્સની કોપી જેવું કશું જ સામેલ કરવામાં આવ્યું નહોતું. તા. ૫ જુનના રોજ ટેન્ડર ખોલવાના હતા પરંતુ તા. ૨ જુનના રોજ જ ટેન્ડર ખોલી ન્યુઝેન સીક્યુરીટી સર્વિસનું કોરું ટેન્ડર મંજુર કરી દેવામાં આવ્યું છે. અને તેમાં પાછળથી ભાવ ભરાવવામાં આવ્યા હતા. આ બંને જણે મેળાપીપળામાં નાણાંકીય ફાયદો મેળવવા એલ-૧ તરીકે આવતાં એ-૧ સીક્યુરીટીને નજર અંદાજ કરી ન્યુઝેન સીક્યુરીટીને મંજુરી આપી દીધી હતી. તેમાં તમામ ધારા ધોરણનો ભંગ કરવામાં આવ્યો હતો. સરકારના ટેક્સની ચોરી કરવામાં આવી હતી અને સરકારી ખજાનાને નુકસાન થાય તેવું કૃત્ય રજીસ્ટાર અને વાઈસ ચાન્સેલરે કર્યું હતું. જેથી કુલપતિ ડા.શીરીષ રામચંદ્ર ફુલકર્ણી અને રજીસ્ટ્રાર તુષારકાંત રામચંદ્ર મજમુદાર વિરુદ્ધ વિશ્વાસઘાત અને નાણાંના દુરપયોગનો ગુનો નોંધવાની માંગ સાથે આઠ પેજની લેખીત ફરીયાદ કરી છે.