ભાવનગર,તા.૧૪
ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં રહેણાંકી મકાનમાં આગ ભભૂકી ઉઠતાં મકાનમાં રહેલ ઘરવખરી સળગી ગઈ હતી. તેમજ મકાનની નીચેના ભાગે આવેલ દુકાન પક્ષ સળગી જતા ૧૦ લાખથી વધુ મતા સળગી જવા પામી હતી.
મળતી વિગતો મુજબ વલ્લભીપુરની મુખ્ય બજારમાં રહેતાં અનોપસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ (ચમારડીવાળા)ના રહેણાંકી મકાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતાં ઘરમાં રહેલ મહિલાઓ બહાર દોડી આવી હતી. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહેતાં આખુ મકાન આગની લપેટમાં આવી જતાં સ્થાનિક વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.બનાવની જાણ મળતાં જ શિહોર તથા બરવાળાથી ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો અને ત્રણ કલાકની ભારે જહેમતમાં ૯ ટેન્કર પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. જો કે આગમાં આખું ઘર સંપૂર્ણ સળગી જતા ઘરવખરી ભસ્મીભુત થઈ ગઈ હતી. તેમજ ઘરની નીચે આવેલ એક ગેરેજની દુકાનમાં પણ આગ પ્રસરતાં દુકાન પણ સળગી ગઈ હતી. આ આગથી ૧૦ લાખનું નુકસાન થયાનું જાણવા મળેલ છે.