(સંવાદદાતા દ્વારા) કોડીનાર,તા.૧૮
કોડીનાર-ઉના નેશનલ હાઈવે ફોરટ્રેકની કામગીરીમાં કોડીનાર-ઉના વચ્ચે આવતા ર૯ ગામોના ૧૩પ ખેડૂતોની ૧૭પ હેક્ટર જમીન સંપાદનની કાર્યવાહી કરીને આ તમામ લોકોને રૂા.૧૪પ કરોડ ચૂકવવા પાત્ર થતાં હતાં. જેમાં વાદ વિવાદ સિવાય મોટાભાગના ખેડૂતોની જમીનના વળતર ચૂકવીને ૧૩૪ કરોડનું ચૂકવણું નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા થયાનું જાણવા મળે છે. અમુક ખેડૂતોના વળતરના પ્રશ્નનો નીકાલ કર્યા વગર તંત્રની મદદ લઈ ડીમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મજેવડી હનુમાન મંદિરની સામેના ભાગના ખેડૂતોની સર્વે નં.પ૧૮, પ૩૭, પ૪૪ના ખેડૂતોને વળતર મળ્યું નથી અને વળતરનો પ્રશ્ન ઉકેલ્યા વગર ડીમોલીશન કામગીરી હાથ ધરતાં તેઓએ નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારી અને કેન્દ્રસરકારના માણસો વિરૂદ્ધ ફરિયાદ અરજી આપી છે અને સંપાદન થયેલી જમીનનો કબ્જો લેતા પહેલા કાયદેસરની કાર્યવાહીને અનુસર્યા વગર બળજબરીથી જમીનનો કબ્જો લેવા અંગે પોલીસમાં ફરિયાદ અરજી આપી છે. જેમાં આજે વધુ એક સર્વે નં.પર૯ પૈકી ૧ના ખેડૂત મૈયાભાઈ ઉગાભાઈ વાજાએ સદભાવના ઈન્ફ્રા પ્રા.લિ.ના ૬ જેટલા લોકો સામે તેમના ખેતરમાં બળજબરીથી પ્રવેશી ૭૮ હજારનું નુકસાન કર્યા અંગે ફરિયાદ અરજી આપી હતી.