(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૯
શહેરના બગ્ગીખાના વિસ્તારમાં આવેલી રાજરત્ન સોસાયટીમાં સ્ટોર ધરાવતા ૭૨ વર્ષીય વૃદ્ધે વસ્તુ ખરીદવા આવેલી ૧૧ વર્ષીય બાળકી સાથે શારીરિક છેડછાડ કરતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર મામલો નવાપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો.
પ્રાપ્ત થતી વિગત અનુસાર બગ્ગીખાના વિસ્તારની રાજરત્ન સોસાયટીમાં શરદબાબુ નામનાં ૭૨ વર્ષીય વૃદ્ધ સ્ટોર ધરાવે છે. આજે બપોરે ૧૧ વર્ષીય બાળકી તેમની દુકાને વસ્તુ ખરીદવા આવી હતી તે દરમિયાન શરદબાબુએ કિશોરી સાથે શારીરિક અડપલા કરી છેડછાડ કરી હતી જેથી બાળકી ત્યાંથી ભાગી ગઇ હતી. આ અંગે બાળકીએ પોતાના પિતાને જાણ કરતાં મામલો ગરમાયો હતો અને લોકો શરદબાબુના દુકાને ધસી જઇ ભારે હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર મામલો નવાપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે વૃદ્ધ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.