અમદાવાદ, તા.૨૭
વસ્ત્રાપુરનાં પોશ સુરેલ એપાર્ટમેન્ટમાં કિન્નરોએ યજમાનીના પૈસા માટે વારંવાર પરેશાન કરતા પરિવારે પોલીસને જાણ કરી હતી. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વસ્ત્રાપુરના સુરેલ એપાર્ટમેન્ટમાં રહેતા ધ્રુતી પંચના ત્યાં ૨૦૧૬માં માસીબા હોળીના પૈસા લેવા આવ્યા હતા. તે સમયે ધ્રુતિબેને રૂ.૧૫ હજાર યજમાની આપી હતી. ધ્રુતિબેનને ત્યાં અવારનવાર માસીબા પૈસા લેવા માટે આવતા હતા. આથી ધ્રુતિબહેનએ માસીબાને જણાવ્યું કે, મહેરબાની કરીને મારા ઘરે ના આવતા, હવે મારી પાસે પૈસા નથી. તે પછી પણ માસીબા અને તેમના ગ્રૂપના લોકો સતત ધ્રુતિબહેનના ઘરે આવતા હતાં.
ગત તારીખ ૨૦મી એપ્રિલના રોજ નયના માસી સહિતના કિન્નરો ધ્રુતિબહેનના ઘરે પહોંચ્યા હતા. ધ્રુતિબહેન ઘરે નહીં હોવાનું તેમના પતિએ જણાવ્યું તો મોબાઈલ નંબર માગવા લાગ્યા હતા. ગઈકાલે શુક્રવારે પણ પાંચ જેટલા કિન્નરોએ ધ્રુતિબહેનનાં ઘરે જઈ તેમની દીકરી સાથે ઝઘડો કર્યો.
જો કે પુત્રીએ દરવાજો ખોલ્યો ન હોતો. બીજી તરફ પાંચે જણા સોસાયટીની બહાર બાંકડા પાસે બેસી ગયા હતાં. ધ્રુતિબહેન અને વોચમેનને પણ અપશબ્દો બોલતા હતાં. આખરે ધ્રુતિબહેનએ બનાવ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. પોલીસ આવતા કિન્નર ટોળકી સ્થળ પરથી ભાગી ગઈ હતી. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ત્રણ કિન્નરો વિરૂદ્ધ ગુનો નોંધ્યા બાદ પ્રશ્ને પકડી લીધા છે.