(એજન્સી) નવી દિલ્હી,તા.૨૯
તાજેતરમાં ભાજપ સરકારની સિદ્ધિઓના પ્રમોશનમાં આવેલો ઉછાળો જોતાં સામાન્ય ચૂંટણીઓ વહેલી યોજાશે એવી અટકળો વહેતી થઇ છે. જો કે પક્ષના નેતાઓએ આવી વાતને બહુ મહત્વ આપ્યું નથી.
ભાજપના ટ્‌વીટર હેન્ડલ પર સરકારની કાર્યવાહી અને પગલાઓની પ્રસિદ્ધિ માટે વ્યાપક પ્રમાણમાં પોસ્ટ, વીડિયો અને ઇન્ફોગ્રાફીકમાં વધારો થતા સત્તાની લોબીઓમાં હિલચાલ વધી ગઇ હોવાનો નિર્દેશ મળે છે. પ્રસૂતિ રજાઓમાં વધારો કરવાથી લઇને જીવન જરુરિયાતની દવાઓ પર ભાવ નિયંત્રણ અને આવાસ, સડક નિર્માણ અને બાળકોના ભવિષ્યને લઇને યોજનાઓનો જોરદાર પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
૨૦૧૪માં નરેન્દ્ર મોદીના ડિજીટલ પ્રચાર અભિયાનનું નેતૃત્વ સંભળનાર પ્રોફેશનલ રાજેશ જૈને બ્લોગમાં એવો નિર્દેશ આપ્યો હતો કે ચૂંટણી હવે આગામી ૧૦૦ દિવસમાં એટલે કે નિયત કાર્યક્રમ કરતા એક વર્ષ અગાઉ યોજાઇ શકે છે અને તેના પગલે વહેલી ચૂંટણી યોજાવાના તર્ક વિતર્કો સઘન રીતે વહેતા થયા છે.
જો કે ભાજપના વરિષ્ઠ રાજકારણીઓએ ખાનગીમાં ૧૦૦ દિવસ વહેલી ચૂંટણી યોજાવાની શક્યતાને નકારી કાઢી છે પરંતુ ભાજપ શાસિત રાજસ્થાન, મ.પ્ર. અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીઓ સાથે ૨૦૧૮ના અંતમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. મોદીએ પણ વિકાસ માટે પૈસા બચાવવા માટે લોકસભા-વિધાનસભાની એક સાથે ચૂંટણીઓ યોજવાની વારંવાર હિમાયત કરી છે. ભાજપના એક રાજકારણીના જણાવ્યા પ્રમાણે લોકસભા ચૂંટણી સાથે રાજ્યની ચૂંટણીઓ યોજીને મોદી મેજીકનો સત્તા વિરોધી પરિબળને નાકામિયાબ બનાવવા ઉપયોગ થઇ શકે છે.