(સંવાદદાતા દ્વારા)
પાટણ,તા.પ
રાધનપુરમાં અંજુમન હાઈસ્કૂલ પાસે આવેલ મકાનમાં વહેલી સવારે ઘૂસેલા તસ્કરે નમાઝ પઢવા ઉઠેલા યુવાન પાસે તિજોરીની ચાવી માંગી છરીના ઘા મારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ રાધનપુર ખાતે અંજુમન હાઈસ્કૂલ પાસે રાજપૂતવાસમાં રહેતા અને કુરિયર સર્વિસની કામગીરી કરતા યાસીનખાન જીવણખાન ખોખર ઘરે એકલા હતા. જેના કારણે મકાનને અંદરથી તાળું મારી ઉંધી ગયા હતા અને વહેલી સવારના સમયે નમાઝ પઢવા ઉઠયા હતા. આ સમયે અજાણ્યો શખ્સ મોઢે બુકાની બાંધી સાઈડમાંથી મકાનમાં ઘૂસી ગયો હતો અને યાસીનખાન પાસે તિજોરીની ચાવી માંગી ઝપાઝપી કરી હતી. બુકાનીધારીએ પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરી જીવલેણ ઘા કરતા યાસીનખાન બેભાન બની નીચે પછડાયા હતા. બુકાનીધારી તિજોરી ફંફોસી કોઈ માલમત્તા હાથ નહીં લાગતા રૂા.પ હજારની કિંમતનું ચાંદીનું કડુ લઈ ફરાર થઈ ગયો હતો. બેભાન બનેલા યાસીનખાનને સવારે આઠ વાગે હોશ આવતા લોહીલુહાણ હાલતમાં મકાનની બહાર આવી ફસડાઈ પડયા હતા. જે જોઈ આજુબાજુના રહીશો ચોંકી ઉઠયા હતા અને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ સ્થિતિ ગંભીર જણાતા મહેસાણા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તના ભાઈ અમાનુલ્લાહખાનના જણાવ્યા મુજબ તેમના ભાઈને છરીના ઘા કિડની ઉપર વાગતા ગંભીર ઈજાઓ થતા એક કિડની કાઢી નાખવામાં આવી છે જયારે હાલ સ્થિતિ ગંભીર છે. રાધનપુર પોલીસે લૂંટનો ગુનો નોંધી ફિંગરપ્રિન્ટ એક્ષપર્ટ, એફ.એસ.એલ. તથા ડોગ સ્કવોડની મદદ લઈ આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.