મોરબી,તા.૮
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે આવેલ સ્પેન્ટ્રો પેપર મીલમાં કામ કરતા બે મજુરોના વિજશોક લાગવાથી કરૂણ મોત નિપજ્યા હતા. આ કારખાનામાં કલર કામ કરતી વખતે હાથમાં રહેલો લોખડનો ઘોડો ઉપરથી પસાર થતી વખતે હેવી વીજ લાઈન અટકી જતા આ કરુણ ઘટના બની હતી.
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે આવેલ સ્પેન્ટ્રો પેપર મીલમાં આજે શિવનારાયણ રામ સનેહિ (ઉ.વ.૩૦) તેમજ અંકુરકુમાર રઘુનંદન પ્રસાદ (ઉ.વ.૩૦) નામના બે પરપ્રાંતીય મજૂરો કલર કામ કરી રહ્યા હતા અને આ બન્ને મજૂરો કારખાનામાં કલર કામ કરવા માટે લોખડનો ઘોડો લઈને જઈ રહ્યા હતા. તેથી, ઉપરથી પસાર થતી હેવી વીજ લાઈનને આ ઘોડો અટકી જતા વિજશોક લાગતા બન્ને શ્રમિકના કરુણ મોત નિપજ્યા હતા. બાદમાં બન્નેના મૃતદેહને પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વિજશોકથી બે મજૂરોના મોત થતા હતભાગીના પરિવારજનોમાં ભારે અરેરાટી મચી ગઇ હતી. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.