વાગરા, તા.૧૮
વાગરા તાલુકાના મુલેર-ચાંચવેલ રોડ ઉપર સરકારી પડતરની જમીનમાં બાવળિયાની અંદરથી પસાર થતી ઓ.એન.જી.સી.ની ક્રૂડ ઓઇલની પાઇપ લાઈનમાં પંક્ચર કરી વાલ્વ બેસાડી કરવામાં આવતી ઓઇલ ચોરીના કૌભાંડને ભરૂચ એસઓજીએ ઝડપી પાડયુ હતુ. પોલીસે એક ઓઇલ ચોરની ધરપકડ કરી હતી. જ્યારે બે આરોપી વોન્ટેડ જાહેર કર્યા હતા.
ભરૂચ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પી.એસ.આઈ. એન જે. ટાપરિયાને વાગરા તાલુકામાં ઓ.એન.જી.સી.ની પાઇપ લાઈનમાંથી ઓઇલ ચોરી થતી હોવાની બાતમી મળી હતી.જેના આધારે એસ.ઓ.જી ની ટીમે વાગરા તાલુકામાં ઓઇલ ચોરી શોધી કાઢવા સઘન તપાસ હાથધરી હતી.જેમાં ગંધાર થી વડોદરા જતી ઓ.એન.જી.સી.ની ક્રૂડ ઓઇલની પાઇપ લાઈનમાં મુલેર અને ચાંચવેલ ગામ વચ્ચેના માર્ગ પર સરકારી પડતરની જગ્યામાં બાવળિયાની પાઇપ લાઇન માં પંક્ચર કરી વાલ્વ બેસાડી થતી ઓઇલ ચોરી ઝડપી પાડી હતી. પોલીસે ઓ.એન.જી.સી ના અધિકારીને બોલાવી તપાસ કરાવતા વાલ્વ ચોરી કરવા માટે જ બેસાડાયો હોવાનું બહાર આવ્યુ હતુ.જેના આધારે પોલીસે ઓઇલ ચોરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.તપાસ દરમ્યાન વાગરા તાલુકાના આછોદ ગામના રહીશ ઈમ્તિયાઝ અહેમદ ઉર્ફે દેડકો પટેલ નું નામ બહાર આવતા એસ.ઓ.જી.પોલીસે તેની અટકાયત કરી પૂછતાછ હાથ ધરતા ઓઇલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો હતો. ઈમ્તિયાઝ પટેલની પૂછતાછ માં આછોદ ના ઇકબાલ નિઝામ પઠાણ અને વડોદરા ના ભાઈલી ખાતે રહેતા વિજય ઉર્ફે મુન્નો ગણપત ગોહિલના નામ બહાર આવ્યા હતા.જેના પગલે પોલીસે ઈમ્તિયાઝ પટેલનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરી હતી. જ્યારે ઇકબાલ પઠાણ અને વિજય ગોહિલને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.