વાગરા.તા.૧૦
વાગરા નગર ખાતે દર ગુરૂવારના રોજ ગુરૂવારી હાટ બજાર ભરાતું હતું. જેમાં વિવિધ પ્રકારનો ધંધો કરી ધંધાર્થીઓ અને લારીધારકો રોજીરોટી મેળવતા હતા. કોરોના સંક્રમણ વચ્ચે ગુરૂવારી બજારમાં ભીડ એકઠી થતી હોવા ઉપરાંત કોવિડ-૧૯ના નિયમોનો ભંગ થતો હોવાની ફરિયાદ સાથે કેટલાક ઇસમો દ્વારા અરજી કરવામાં આવતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાટ બજાર પર રોક લગાવી બંધ કરવી દેવામાં આવ્યું હતું, લોકડાઉન દરમિયાન છ મહિના સુધી બજાર બંધ રહેતા ધંધાદારીઓની આર્થિક હાલત કફોડી બની છે. ત્યારે માંડ હાટ બજાર ફરી ખૂલ્યું ત્યાં તંત્ર દ્વારા બંધ કરાવાતા વેપારીઓની હાલત પડતા પર પાટુ જેવી થઈ જવા પામી છે. આસપાસના ગામો તેમજ દૂર દૂરથી ફેરિયાઓ તેમજ ધંધાદારીઓ ધંધો કરવા વાગરા આવતા હોય છે. બચ્ચોકા ઘર શાળાની સામેના મેદાનમાં ભરાતા બજારમાં ગ્રામજનો સસ્તા અને વ્યાજબી ભાવે જરૂરિયાતની ચીજ વસ્તુઓ ની ખરીદી કરવા માટે આવતા હોય છે. કટલરી, કપડાં તેમજ ખાણીપીણીના સ્ટોલ અહીં લાગે છે. જ્યાં ધંધો કરી ધંધાર્થીઓ પરિવારનું ભરણ પોષણ કરે છે. પરંતુ હાટ બજાર બંધ કરાવ્યા બાદ તેમની હાલત દયનીય બની જવા પામી છે. બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ જવાને કારણે ઘર ચલાવવા સહિતની વિવિધ મુશ્કેલીઓ વેઠી રહેલા ધંધાર્થીઓ આજે હારી થાકીને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. જ્યા તેઓએ વાગરા મામલતદાર ને આવેદન સુપ્રત કરી ગુરૂવારી બજાર પુનઃ શરૂ કરવા માટે માંગ કરી હતી. વ્યાપારીઓએ મામલતદાર ને પાઠવાયેલ આવેદન પત્રમા હાટ બજારના મુખ્ય સંચાલક મહબૂબ ચાવડાએ જણાવ્યુ હતું કે મામલતદારે બજારના સ્થળનું નિરીક્ષણ કરી કોવિડ-૧૯ના નિયમો સાથે ફરીથી ગુરૂવારી બજાર શરૂ કરવાની પરવાનગી આપવા માટેનું આશ્વાસન આપ્યું હોવાની માહિતી સાંપડી છે. ધંધાર્થીઓએ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવી આવેદન પાઠવ્યું હતું.