(સંવાદદાતા દ્વારા) વાગરા, તા.ર૮
કરજણના એક અરજદારે વાગરા મામલતદારના હુકમથી નારાજ થઇ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા સુસવાટા મારતી ઠંડીમાં પણ વાગરા મામલતદાર સંકુલના વાતાવરણમાં ગરમાવો પ્રસરી જવા પામ્યો હતો. અરજદારની જીવન સંકેલી લેવાની ધમકીને પગલે વહિવટીતંત્ર તેમજ પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. વાગરાના ભેરસમ ગ્રામ પંચાયતના રેવન્યુ દફતરે ૫૧૭ સર્વેનંબર મગન ભીખાભાઈ સોલંકીના નામે ચાલે છે. જેમાં કરજણ તાલુકાના વીરજઈ ગામે રહેતા પ્રહલાદ રમણ સોલંકીએ વારસાઈ હક્કે નામ દાખલ કરવા અરજી કરી હતી. જે નામંજૂર થતા અરજદારે પ્રાંત કચેરીમાં દાદ માંગી હતી. જ્યાં પ્રાંત અધિકારીએ પણ સદર અપીલ નામંજૂર કરતા અરજદારે કલેકટર કાર્યાલયમાં ઘા નાંખી હતી. જેની સામે સુનાવણીને અંતે જિલ્લા સમાહર્તાએ અરજદારની અપીલ અરજીને અંશતઃ મંજૂર કરી વાગરા મામલતદારને નવેસરથી નિર્ણય લેવા આદેશ કર્યો હતો. વાગરા મામલતદારે તબક્કાવાર સુનાવણી હાથ ધરી હતી. જેમાં સદર કેસ સિવિલ કોર્ટમાં ચાલતો હોવાથી તેનો ચૂકાદો આવે તે બંને પક્ષકારોને બંધનકર્તા રહેશે તેવો હુકમ કર્યો હતો. મામલતદારના હુકમથી નારાજ થઇ અરજદાર પ્રહલાદ સોલંકીએ ગત ગુરૂવારના રોજ રોષે ભરાઈને સોમવારના રોજ વાગરા મામલતદાર કચેરીમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આત્મ વિલોપનની ધમકીને પગલે વાગરા મામલતદારે સંબંધિત તંત્રને લેખિતમાં સાવચેતીના પગલા ભરવા જાણ કરી હતી. આત્મવિલોપનના મામલે કોઈક અનિચ્છનીય ઘટના ના સર્જાય તે માટે સવારથી જ વાગરા પી.એસ. આઈ. જે.કે ડાંગર સહિતનો પોલીસ કાફલો મામલતદાર સંકુલમાં ખડકાઈ ગયો હતો. સાથે જ વાગરા આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ તથા મેડિકલ ટીમ પણ કચેરીમાં સર્તક કરવી પડી હતી. જો કે, ૧૨ વાગ્યાની આસપાસ કરજણ પોલીસે પ્રહલાદની અટકાયત કર્યાની માહિતી મળતા વાગરા મામલતદાર તેમજ પોલીસે રાહતનો દમ લીધો હતો.