(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧
શહેર નજીક વાઘોડીયા હાઇવે પર મંગળવારે મોડીરાત્રે મારૂતીકારના ચાલકે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલકનું ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે વરણામા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વાઘોડિયા રોડ પર અનંતા શુભ-લાભ સોસાયટીમાં રહેતા માંગીલાલ વણઝારા રીક્ષા ફેરવતા હતા. બુધવારે રાત્રે તેઓ શહેર નજીકનાં વાઘોડિયા હાઇવે પાસેથી પસાર થઇ રહ્યાં હતા તે વખતે પુરપાટ ઝડપે જઇ રહેલ એક કારનાં ચાલકે રીક્ષાને ટક્કર મારી હતી. જેમાં માંગીલાલને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ માંગીલાલના પુત્ર સચિન વણઝારાને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત પિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેઓની સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડયા હતા. જયાં તેમનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત અંતે વરણામા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.