અમદાવાદ,તા. ૧૬
શહેરના વાડજ વિસ્તારમાં આજે પાણીના ઝઘડામાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. મૃતક યુવકના પરિવારજનો દ્વારા સ્થાનિક માથાભારે શખ્સ ધીરૂ ભરવાડ સહિતના શખ્સોની આ હત્યામાં સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો છે, જેને ગંભીરતાથી લઇ પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો, જયારે આ હત્યામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની વિગતો એવી છે કે, શહેરના વાડજ વિસ્તારમાં ગણેશનગરના છાપરા પાછળ આવેલા ખેતરમાં પાણીનો પ્રવાહ બંધ કરવાની બાબતે ભરત શેનમા અને તેના મોટાભાઇ સાથે ધીરૂ ભરવાડ અને તેના માણસોની છેલ્લા કેટલાક સમયથી તકરાર ચાલતી હતી. તાજેતરમાં પંદર દિવસ પહેલા પણ બંને પક્ષે ઝઘડો અને તકરાર થયા હતા પરંતુ બાદમાં સમાધાન કરાવાયું હતું. જો કે, ફરી પાણીનો પ્રવાહ બંધ કરવાની બાબતે જૂની તકરાર તાજી થઇ હતી. ભરત શેનમાને તેના મોટાભાઇ જમવાનું આપવા આવ્યા ત્યારે ખેતરના માલિક ધીરૂ ભરવાડ અને તેના માણસોએ આંતર્યો હતો અને તેની પર છરીના ઘા મારી હુમલો કર્યો હતો. ભરત શેનમાએ પોતાના મોટાભાઇને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગંભીર ઇજાઓ થવાના કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડયા હતા. બીજીબાજુ, હત્યારાઓ ઘટનાને અંજામ આપ્યા બાદ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ તેનું કરૂણ મોત નીપજયુ હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સ્થાનિક રહીશો અને મહિલાઓએ છાજિયા લઇ પોલીસ સામે ઉગ્ર વિરોધ કર્યો હતો અને આરોપીઓને તાત્કાલિક પકડી સખત નશ્યત કરવા ઉગ્ર માંગણી કરી હતી. વાડજ પોલીસે સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ એક આરોપીની ઓળખ કરી તેની અટકાયત કરી લીધી છે અને તેના આધારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.