ખંભાળિયા, તા.૧૬
એક તરફ ઠંડી વધી રહી છે, તો બીજી તરફ વાડિનાર પંથકમાં દીપડો ફરતો હોવાનો વીડિયો વાયરલ થતા લોકો થથરી રહ્યા છે અને ઠંડી સાથે ડરનો માહોલ પણ ફેલાયો છે.તાજેતરમાં વડત્રા, ભાતેલ વિસ્તારમાં દીપડો આવેલો તથા આ દીપડો હજુ પકડાયો નથી ત્યાં બીજો દીપડો મોટા માંછા વિસ્તારમાં આવેલો ત્યાં પણ છટકામાં આ હજુ હાથમાં નથી આવ્યો ત્યાં નયારા કંપનીની પાસેના વિસ્તાર તથા જ્યાં કંપની અને કારખાના નથી તેવા વિસ્તારમાં દીપડો આરામથી બેઠો હોય તથા ટેશથી રખડતો હોય તેવા વીડિયો આવતા લોકોમાં ભારે ભય ફેલાયો છે તથા લોકો વધી રહેલી ઠંડી તથા તેમાં દીપડાના ભયથી થથરી રહ્યા છે અને અકેલા બહાર નીકળવાનું ટાળવા લાગ્યા છે.ખંભાળિયા પંથકમાં દીપડો વડત્રા, ભાતેલ, માંઢા, નાયરા કંપની વિસ્તારમાં આવેલો હોય, જંગલખાતાએ સૂચનાઓ આપી છે કે ખેતરમાં એકલા રાત્રે ના જવું. ચાર-પાંચ વ્યક્તિએ સાથે જવું, સાથે ટોર્ચ લઈ જવી તથા લાકડીઓ સાથે જવું અને ખેતરમાં આગ પ્રગટાવવી તો દીપોડો નજીક નહીં આવે. જો દીપડો દેખાય તો મારવા કે પકડવાનો પ્રયત્ન કરવો નહીં, પણ તેને ભાગી જવા રસ્તો આપી જંગલખાતાને જાણ કરવી. જો તે ગભરાય તો સ્વબચાવમાં હુમલો કરવો. દીપડાને પાંજરામાં પૂરવાનો પણ ખેડૂતોએ પ્રયત્ન ના કરવો. જંગલખાતાને જાણ કરવી. પાલતુ પ્રાણીને હાલ શક્ય હોય ત્યાં સુધી બંધ વાડામાં રાખો ત્યાં વીજળીનો લેમ્પ ચાલુ રાખવો. ઘાસચારો ઘર નજીક ફેંકવાથી ત્યાં ઢોર હોય, દીપડો આવી શકે છે તે ધ્યાન રાખવું. ખેતરમાં કામ કરતા જોરથી અવાજ કરવો કે ફોનમાં ગીતો વગાડી દેકારો કરવો તો દીપડો નહીં આવે તથા રાત્રે ખુલ્લામાં શૌચ કરવા ના જવું. દીપડો હુમલો કરી શકે છે.