(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧૪
સાયલાના પતિ-પત્ની વાડીએ વાવેલી રીંગણીને ટપકથી પાણી પૂરૂં પાડતો વાલ્વ ખરાબ હોવાથી તે બદલી ઘરે પરત ફરતું હતું ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારે બાઇકને ટક્કર મારતાં બંનેનું માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઇજા થતા મોત થયું હતું. આથી ત્રણ પુત્રો અને એક પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી.
સાયલા જૂની પાંજરાપોળ પાસે રહેતા ચૌહાણ ધરમશીભાઇ ભુદરભાઇ અને તેમના પત્ની લીલાબેન સોમવારે વાડીએ રીંગણ તથા ગુવારને પાણી પાવા માટે ટપક પધ્ધતીથી ફિટ કરેલો વાલ્વ ખરાબ થઇ જતા ખેતરમાં તેને બદલવા ગયા હતા. ત્યાંથી પરત ફરતાં તાંગતોડ હનુમાનજીના મંદિર પાસે પાછળથી પૂરઝડપે આવતી કારના ચાલકે દંપતીના બાઇકને ટક્કર મારતાં બંને ફંગોળાઇને નીચે પડતાં માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ બંનેને થઇ હતી. આ બનાવમાં ૫૫ વર્ષના ધરમશીભાઇ અને ૫૨ વર્ષના લીલીબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બીજી તરફ પુત્રો મહેશભાઇ, નરોતમભાઇ, પ્રવિણભાઇ અને દીકરી કૈલાસ દોડી આવ્યા હતા. સાંજના સમયે બંનેની અંતિમયાત્રામાં પરિવાર સાથે ગ્રામજનો શોકાતુર બન્યા હતા.