કોડીનાર,તા.૩
કોડીનાર તાલુકાના ગીરદેવળી ગામે ત્રણ દિવસ પહેલા એક વાણંદ યુવાનનો રહસ્યમય સંજોગમાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે ગીરદેવળી ગામના બે યુવાનની ધરપકડ કરી ખૂનનો ગુનો નોંધી આ બન્ને યુવાનને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ માગ્યા છે.
પ્રાથમિક વિગત મુજબ મરનાર વાણંદ યુવાન અને આરોપીઓ મિત્રો હતા અને સાથે બેસી દારૂની પાર્ટી રાખી હતી દરમ્યાન સામાન્ય બાબતે માથાકુટ થતા મિત્રએ વાણંદ યુવાનને માથામાં લાકડી ફટકારતા મૃત્યુ થયું હતું.
કોડીનારના ગીર દેવળી ગામે ગત તા.૩૦/પના રોજ રણજીત અરજન વાજાના ઘરના વાડામાંથી બાલુભાઈ વાણંદનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે મૃતકના પુત્ર કાનજીભાઈ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતકબાલુભાઈને રણજીત વાજા તેના ઘરે બોલાવી ગયો હતો બાદ ત્યાં તેનો મૃતદેહ મળી આવતા પોલીસે રણજીતની અટક કરી પુછપરછ કરતા જણાવેલ કે તે અને તેનો મિત્ર નટ્ટુ હમીરવાળા અને બાલુભાઈ ત્રણેય મિત્ર હતા. જેથી દારૂની પાર્ટી કરવા બાલુભાઈ વાણંદને ઘરે બોલાવેલ બાદમાં નશામાં ચકચૂર બની સામાન્ય બોલાચાલીમાં નટ્ટુ વાળાએ બાલુભાઈના માથામાં લાકડી ફટકારતા મૃત્યું થયું હતું. વધુ તપાસ પી.એસ.આઈ. સોલંકી ચલાવે છે.