(એજન્સી)      મુંબઈ, તા.૧૩

બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે કહ્યું હતું કે, બંધારણની કલમ ૧૯ હેઠળ આપવામાં આવેલ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર એ સંપૂર્ણ અધિકાર નથી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે વિરૂદ્ધ ટ્‌વીટર પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ મુંબઈ અને પાલઘર પોલીસે આરોપ લગાવેલી મહિલાને ધરપકડથી વચગાળાના રક્ષણ આપવાનો ઈનકાર કરતી વખતે કોર્ટે આ નિરીક્ષણ કર્યું હતું. ન્યાયાધીશ એસ.એસ.શિંદે અને ન્યાયાધીશ એમ.એસ.કર્ણિકની ખંડપીઠે રાજ્ય સરકારની મૌખિક ખાતરી સ્વીકારી હતી કે, સુનયના હોલી નામની મહિલાની ઓછામાં ઓછા આવતા બે અઠવાડિયા સુધી આ કેસમાં ધરપકડ કરવામાં આવશે નહીં. તેમ છતાં રાજ્યએ ઉમેર્યું હતું કે, આ પ્રકારની રાહત હોલીને એ શરતે આપવામાં આવે કે તેઓ આઝાદ મેદાન અને તુલિંજ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે અને તપાસમાં પોલીસને “સહયોગ” આપશે. કોર્ટે પણ હોલીને આ સમયગાળા દરમિયાન જો પોલીસ તેના વિરૂદ્ધ કોઈ કડક પગલાં લેવાનું નક્કી કરે અથવા જો તેના કોઈપણ અધિકારનો ભંગ થાય તો કોઈપણ સમયે કોર્ટમાં આવવા મંજૂરી આપી હતી. હોલીએ તેના વકીલ અભિનવ ચંદ્રચૂડ દ્વારા બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને વિનંતી કરી હતી કે, તેમના પરના તમામ આરોપોને રદ્દ કરવામાં આવે. વચગાળાની રાહત તરીકે, તેણીએ માગણી કરી હતી કે, અદાલત તેના કેસની છેલ્લી સુનાવણી થાય ત્યાં સુધી ધરપકડથી રક્ષણ આપે અને કોર્ટ તેની વિરૂદ્ધ એફઆઈઆર રદ્દ કરવાનો નિર્ણય લે. હોલી સામે ત્રણ એફઆઈઆર નોંધાઈ છે, એક બી.કે.સી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં, બીજી આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં અને ત્રીજી પાલઘરના તુલિંજ પોલીસ સ્ટેશનમાં. ફરિયાદો મુજબ ૩૮ વર્ષની સુનયના હોલીએ ટ્‌વીટર પર મુખ્ય પ્રધાન અને તેમના પુત્ર વિરૂદ્ધ અપમાનજનક અને બદનામી ભરી  ટિપ્પણી કરી હતી. આ વર્ષે ઓગસ્ટમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને બીકેસી સાયબર ક્રાઈમ પોલીસે તેના વિરૂદ્ધ નોંધાયેલા એફઆઈઆર સંબંધિત કેસમાં જામીન પર મુક્ત થઈ હતી.