(એજન્સી) શ્રીનગર, તા.ર૭
ઓડુ શોપિયાનો વાની પરિવાર બુધવારે એન્કાઉન્ટમાં સમીરનું મોત અને માથામાં બુલેટ વાગવાથી જીવન-મરણના ઝોલા ખાઈ રહી પુત્રી સાયમાની સ્થિતિ જોતાં હાલ આઘાતમાં છે. ગુરૂવારે સાયમા સર્જિકલ ઈન્ટેન્સિલ કેર યુનિટ (એસઆઈસીયુ)માં એકલી હતી કારણ એક અન્ય તમામ તેના ભાઈ સમીરની દફનાવિધિમાં હતા. હજુ તેણીને પોતાના ભાઈના મૃત્યુ અંગે જાણ નથી. શોપિયાનમાં થયેલ એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલ બે યુવતીઓમાંથી એક ૧૮ વર્ષીય સાયમા છે. તેણીના એક સંબંધી અફાકે જણાવ્યું કે, સમીર ત્રણ મહિના પહેલાં આતંકવાદ સાથે જોડાયો હતો જ્યારે તે સૌપ્રથમવાર ઘરમાંથી નીકળ્યો ત્યારે પરિવારને લાગ્યું કે તે ગુમ થયો છે અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી પરંતુ બે મહિના બાદ તેમને જાણવા મળ્યું કે તે આતંકવાદ સાથે જોડાયો છે. સાયમાના કાકા ઐયુબ વાનીએ જણાવ્યું કે જ્યારે ક્રિકેટ રમતા છોકરાઓ પર ગોળીબારની ઘટના ઘટી તો યુવતીઓ ઘરમાં હતી. પરંતુ જ્યારે સુમૈયા અને સાયમા પરિસ્થિતિનો તાગ મેળવવા બહાર આવી ત્યારે લશ્કરી દળોને તેમને પણ ગોળી મારી અને તેમને હોસ્પિટલ લઈ જવા માટે દોડ્યા પરંતુ લશ્કરીદળોએ અમને જવા ન દીધા. ઓછામાં ઓછી ૧૦ જગ્યાએ અમને રોકવામાં આવ્યા. હાલ સુમૈયાની હાલત સુધારા પર છે પરંતુ સાયમાનું સ્વાસ્થ્ય ખૂબ જ કથળ્યું છે. આ અથડામણમાં શાકીર અહેમદ મીર નામના યુવકનું પણ મૃત્યુ થયું છે.