વાપી, તા.પ
વાપી જીઆઈડીસી, થર્ડ ફેઝ ખાતે આવેલ વાઈટલ લેબોરેટરી પ્રા.લિ. કંપનીના યુનિટ-૨ના પેહલા માળે રીએકટરમાં કામદારો કામ કરી રહ્યા હતા. ગત તારીખ ૪/૧૧/૨૦૨૦ના રોજ સાંજે આશરે સાડા ચારેક વાગ્યાની આસપાસ અચાનક ધડાકો થઈ ગયો હતો. જે બાદ કામદારો બૂમાબૂમ કરતા બહાર દાઝી ગયેલી હાલતમાં નીકળ્યા હતાં. જે બાદ કંપની સંચાલકો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને કામદારોને તાત્કાલિક વાપીની હરિયા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રીએકટર વિભાગમાં (૧) અવધેશ સંપતી (ઉં.૩૧, રહે. જલારામ નગર, છીરી), (૨) સુરેન્દ્ર મામતીયા ચૌધરી (ઉં.૨૭, રહે. મંદિર ફળિયુ, ચાવશાળા ગામ, કપરાડા), (૩) ભાસ્કર લલનરાય (ઉં.૪૪, રહે. જલારામ નગર, છીરી), (૪) જતીન મહેશ સુતરીયા (ઉં.૨૨, રહે. રામનગર છીરી), (૫) વિનોદ રાજેન્દ્ર બાગલ (ઉં.૨૯, રહે. અંબામાતા મંદિર નજીક, ગુ.હા.સોસાયટી, વાપી), (૬) હરેન્દ્રકુમાર રણજીત બીંદ (ઉં.૧૯, રહે. રામનગર, છીરી) અને (૭) કન્હાઈ ફકીરદાસ (ઉં.૩૧, રહે. ગુલાબનગર, ભરતનગર નારદ ચાલ, છીરી) નાઓ કામ કરી રહ્યા હતા. રીએકટમાં મિથેનોલ હતું જે ચાર્જ થઈ ગયું હતું. ત્યારબાદ ઢાંકણ ખોલી તેમાં પ્યોરીફીકેશન માટે ડાયસીરીન નાંખી હતી તે સમયે અચાનક અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી અને ધડાકો થયો હતો. જે આગમાં ૭ કામદારો શરીરે દાઝ્યા હતા અને તેઓ બૂમાબૂમ કરતા બહાર દોડી આવ્યા હતા. જે બાદ ઈજાગ્રસ્તોને તરત જ એમ્બ્યુલન્સ દ્વારા વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જે બનાવ અંગેની ફરિયાદ સુનિલ વૈજનાથ સરોદે (ઉં.૨૯, રહે. આદર્શ કોલોની, અંબામાતા મંદિર નજીક, જીઆઈડીસી, વાપી, મૂળ મહારાષ્ટ્ર)એ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી.
Recent Comments