(એજન્સી) તા.૭
રાજસ્થાનના શિરોહી જિલ્લાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક ટીનેજર છોકરો ૪પ વર્ષીય મુસ્લિમને લાફા મારી ‘જય શ્રી રામ’ બોલવા બળજબરીપૂર્વક ફરજ પાડી રહ્યો છે. આ ઘટનાને પગલે મુસ્લિમ સમુદાયમાં રોષ ફાટી નીકળ્યો હતો.
વિનય મીણા નામના અઢાર વર્ષીય આતંકી છોકરા દ્વારા આ વીડિયો રેકોર્ડ કરી ઈન્ટરનેટ પર વાયરલ કરવામાં આવ્યો હતો. ત્રણ મિનિટની આ વીડિયો ક્લિપમાં મીણા નિર્દયતાથી મોહંમદ સલીમને રપ વખત લાફા મારી રહ્યો છે અને તેના પર જય શ્રી રામ બોલવા માટે દબાણ કરી રહ્યો છે. જ્યારે સલીમ પરવરદિગાર સબસે બડા હૈ આ વાક્યનું રટણ કરી રહ્યો છે. મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા આ ઘટનાનો શાંતિપ્રિય રીતે વિરોધ કરવામાં આવ્યો હતો અને આબુ રોડ સિટી પોલીસ સ્ટેશનમાં મીણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. શિરોહીના એસ.પી. ઓમ પ્રકાશે કહ્યું હતું મુસ્લિમ સમુદાયના સભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે અમે એફઆઈઆર નોંધી લીધી છે. મીણા નુકસાન પહોંચાડવા, દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને ધાર્મિક લાગણીઓ દુભાવવાના અને શાંતિ ભંગના આરોપો હેઠળ પોલીસ કસ્ટડીમાં છે.
ઉલ્લેખનીય છે કે ૬ ડિસેમ્બરના દિવસે મોહંમદ અફરાઝુલ નામના ખેતમજૂરની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જ્યારે ગયા વર્ષે એપ્રિલ માસમાં પહેલુખાનની ગૌરક્ષકો દ્વારા ફક્ત શંકાના આધારે કરપીણ હત્યા કરવામાં આવી હતી.