અમદાવાદ, તા.૧૨
વાયુ વાવાઝોડાની અસરને પગલે રાજ્યનું વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાની અસર વધુ વર્તાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ગીર-સોમનાથ, દ્વારકા, દીવ, પોરબંદર, વેરાવળ, સુરત, માંડવી, વલસાડ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બીચ પર સહેલાણીઓ માટે પ્રતિબંધ મૂકાયો છે અને હોટલો ખાલી કરાવાઈ છે. “વાયુ” વાવાઝોડું મોડી રાત્રે ગુજરાતના દરિયાકાંઠે આવી પહોંચશે. આ પરિસ્થિતિને જોતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના તમામ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓને તાકિદે હોટલો ખાલી કરી દેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત હોટલ માલિકોને કોઈપણ પ્રવાસીને હોટલમાં રૂમ ભાડે ન આપવા પણ આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સોમનાથ, પોરબંદર, દ્વારકા, દીવ, વેરાવળ, સુરત, વલસાડ, માંડવી, દમણ જેવા દરિયા કિનારે આવેલા બીચ બંધ કરી દેવામાં આવ્યા છે અને પોલીસનો બંદોબસ્ત ગોઠવી સહેલાણીઓને બીચ પર જવા દેવામાં આવતા નથી.