(સંવાદદાતા દ્વારા) ભૂજ,તા.ર૯
તાલુકાના દેશલપુર વાંઢાયમાં બ્રોડગેજ રેલવે આવી ગયેલ છે ત્યારે હવે તે નલિયા અને ત્યાંથી વાયોર અને ત્યાંથી કોટેશ્વર સુધી બ્રોડગેજ રેલવેનું વિસ્તરણ કરવામાં આવશે. સને ર૦ર૩ સુધીમાં રૂા.પ૦૦/- કરોડના ખર્ચે આ કામ કરવામાં આવશે તેવી માહિતી ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રકચર બોર્ડ અને કચ્છના ઉદ્યોગ સંગઠન ફોકિયા દ્વારા યોજાયેલ એક કાર્યક્રમમાં આપવામાં આવી હતી. જેમાં રાજ્યમંત્રી આહિરે જણાવ્યું હતું કે કચ્છમાં રેલવેનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. અત્રે દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. તેમને નવું નવું જાણવા મળે છે. આથી કચ્છનો વાયોર તાલુકો આગામી દિવસોમાં પુનઃ ધમધમતો થઈ જશે. ભૂજના ધારાસભ્ય ડો.નીમાબેને કચ્છના વિકાસ માટે રેલવે કનેક્ટિવીટી બહુ ઉપયોગી બનશે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે ફોકિયાના એમ.ડી.એ કચ્છના ઓદ્યોગિક વિકાસ વિશે સમજાવ્યું હતું. એ.એન.કેલકર નિદર્શનના માધ્યમથી આ વિસ્તારમાં થનારા વિકાસના આંકડા આપ્યા હતા. પી.એ.ઓ.ના પ્રતિનિધિ દીપકભાઈ ઉપરાંત સિમેન્ટ એકમોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ફોકિયાના રાવીકા ઠક્કરે કર્યું હતું.