નવી દિલ્હી, તા. ૧૭
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સંગીત સોમના વિવાદાસ્પદ નિવેદન બાદ દુનિયાની સાત અજાયબીઓમાં સામેલ ભારતના વારસા તાજમહેલને લઇ ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વારસાઓ પર ગર્વ કરવાની શિખામણ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું પ્રથમ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનનું બીજી વાર ઉદ્‌ઘાટન કરી તેને પણ પોતાના નામે કરવાનો પ્રયાસ કર્યો છે. આ સંસ્થાનનું ૨૦૧૦માં મનમોહનસિંહ સરકારે ઉદ્‌ઘાટન કર્યું હતું. રાષ્ટ્રને સમર્પિત કરતા જણાવ્યું હતું કે, પોતાના દેશની ધરોહરો અને ઇતિહાસ પર ગર્વ કર્યા વિના આગળ વધી ન શકાય. પીએમ મોદીએ જણાવ્યું કે, કોઇપણ દેશ વિકાસની કેટલીય ચેષ્ટા કરી લે, કેટલાય પ્રયાસ કરી લે, પરંતુ તે ત્યાં સુધી આગળ વધી ન શકે જ્યાં સુધી તે પોતાના ઇતિહાસ, પોતાના વારસા પર ગર્વ કરવાનું જાણતો નથી. પોતાના વારસાને છોડીને આગળ વધનારા દેશોની ઓળખ સમાપ્ત થઇ જાય છે.
વડાપ્રધાને જણાવ્યંુ હતું કે, ગુલામીના યુગમાં આપણી ઋષિ પરંપરા, આપણા આચાર્ય, ખેડૂતો, આપણું વૈજ્ઞાનિક જ્ઞાન, આપણું યોગ, આપણા આયુર્વેદ આ તમામની શક્તિઓની મશ્કરી કરાઈ, તેને નબળી પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા એટલે સુધી કે, એ શક્તિઓ પર આપણા જ લોકો વચ્ચે આસ્થા ઓછી કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ આશા રખાતી હતી કે, જે બચ્યું છે તેને સુરક્ષિત કરવામાં આવશે અને પ્રોત્સાહન આપવામાં આવશે. પરંતુ જે બચ્યું હતું તેને તેના હાલ પર છોડી દેવામાં આવ્યું. તેનું કારણ આપણા દાદીમાના નુસ્ખાઓની અન્ય દેશોએ પેટન્ટ કરાવી લીધી. તેમણે જણાવ્યું કે, આજે મને ગર્વ છે કે, પાછલા ત્રણ વર્ષોમાં આ સ્થિતિને ઘણી હદે બદલી નાખવામાં આવી છે. જે આપણી વિરાસત છે, જે શ્રેષ્ઠ છે, તેની પ્રતિષ્ઠા જન-જનના મનમાં સ્થાપિત થઇ રહી છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, દરેક જિલ્લામાં આયુર્વેદ સાથે જોડાયેલી સારી સુવિધાથીયુક્ત હોસ્પિટલો જરૂરી છે. આ દિશામાં આયુષ મંત્રાલય ઝડપથી કામ કરી રહ્યું છે. પાછલા ત્રણ વર્ષોમાં ૬૫થી વધુ સંસ્થાન શરૂ થયા છે. વડાપ્રધાને કહ્યું કે, સરકાર દેશના દરેક જિલ્લામાં આયુર્વેદ સાથે જોડાયેલી હોસ્પિટલો શરૂ કરવા અંગે કામ કરી રહી છે. સાથે જ વડાપ્રધાને સલાહ આપી હતી કે, આયુર્વેદ નિષ્ણાતોને એવી દવાઓ શોધવાની જરૂર છે જે દર્દીઓને તાત્કાલિક રાહત પ્રદાન કરવાની સાથે તેમને દવાઓના દુષ્પ્રભાવોથી દૂર રાખે.