(એજન્સી) તા.૨
ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ રવિદાસ જયંતિ પ્રસંગે વારાણસીની મુલાકાત લઇ રહ્યા છે ત્યારે વારાણસીના સિનિયર સ્પોટ્‌ર્સ પત્રકાર પદ્મપતિ શર્માએ ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાનની વર્તણૂંક મોગલ બાદશાહ ઔરંગઝેબ કરતા પણ વધુ ખરાબ છે એવો દાવો કરીને આત્મહત્યા કરવાની ધમકી આપી છે.
પદ્મપતિ શર્માની ધમકી કદાચ ગંભીર હોઇ શકે પરંતુ શર્માએ આવી ધમકી શા માટે આપી અને હિંદુ હૃદયસમ્રાટ ગણાતા યોગી આદિત્યનાથની તુલના ઔરંગઝેબ સાથે શા માટે કરી ? તેમાં મંદિર અને ગંગા વચ્ચે સ્પષ્ટ જોડાણ પૂરું પાડવા વારાણસીના વિશ્વનાથ મંદિરની કોરીડોરનું વિસ્તરણ કરવાની સરકારની યોજના રહેલી છે.
આ વિસ્તરણ પ્રોજેક્ટની દરખાસ્ત આઠ વર્ષ પૂર્વે રજૂ કરવામાં આવી હતી પરંતુ આજુબાજુની વસાહતોના નિવાસીઓએ વિરોધ કરતા સરકારે પીછેહઠ કરી હતી. યોગી આદિત્યનાથ જ્યારે ૨૦૧૭ના આરંભમાં સત્તારુઢ થયા ત્યારે આ પ્રોજેક્ટ ફરીથી શરુ કરવામાં આવ્યો હતો. પરિણામે સરકાર અને મંદિર ટ્રસ્ટે મંદિરથી ગંગા સુધી સ્પષ્ટ પહોચ બનાવવા માટે ૪૫૦ મીટર જમીન સંપાદન કરવા મંદિરની આસપાસના વિસ્તારનું સર્વેક્ષણ શરૂ કર્યુ હતું.
આ વિસ્તરણ વિવાદાસ્પદ એટલા માટે બન્યું છે કે મંદિરની બાજુમાં જ્ઞાનવાપી મસ્જિદ છે જેનું નિર્માણ ઔરંગઝેબના સમયમાં થયું હતું. એવું કહેવાય છે કે વિશ્વનાથ મંદિરનો એક ભાગ તોડી પાડીને આ મસ્જિદ બનાવવામાં આવી હતી. મંદિરની કોરીડોર વિસ્તારવા માટે સરકારને આસપાસના ૧૬૭ ઘરો સંપાદિત કરવા પડે તેમ છે જેમાં પદ્મપતિ શર્માના ઘરનો પણ સમાવેશ થાય છે. ફેસબુક પોસ્ટમાં શર્માએ લખ્યું હતું કે ઔરંગઝેબ ન કરી શક્યા તે યોગી કરશે. સરકાર ફરી એક વખત કાશીની જૂની સાંસ્કૃતિક વિરાસતને મિટાવી દેવા માટે સાજીશ રચી રહી છે. એમાંય સૌથી નિરાશાજનક બાબત એ છે કે આ કૃત્ય પોતાને રાષ્ટ્રવાદી હોવાનો દાવો કરતા ભાજપ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે એવું શર્માએ લખ્યું છે. શર્માએ જણાવ્યું છે કે લાહોરીતોલા પર આવેલ મારા ૧૭૫ વર્ષ જૂના ઘર પર કુહાડીનો ઘા ઝીકાશે તો તેનો વિરોધ કરવા હું મારી જાતને સળગાવીને આત્મ વિલોપન કરી લઇશ. હવે આ મુદ્દે યુદ્ધ છેડાશે. વિનવણીઓ તો બહુ કરી એવું શર્માએ જણાવ્યું હતું.