(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૧૪
સાંતલપુર તાલુકાના મુખ્ય મથક વારાહી ખાતે એક પરપ્રાંતીય યુવતીનું તેની જાણ બહાર લાખો રૂપિયામાં સોદો કરી સાતેક વ્યક્તિઓએ ભેગા મળી કાવતરૂં રચ્યા બાદ મહિના સુધી ગોંધી રાખી એક શખ્સ દ્વારા મરજી વિરૂદ્ધ તેની સાથે દુષ્કૃત્ય આચરાયું હોવાના આક્ષેપ સાથે ભોગ બનનાર પરપ્રાંતીય યુવતીએ ફરિયાદ આપતા વારાહી પોલીસે વારાહીના સાત સહિત આઠ જણા સામે ગુનો દાખલ કરી તપાસ કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત થતી વિગતોનુસાર મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રહેતી એક યુવતીને વિજાપુર તાલુકાના કોટડી ગામે રહેતી ઉષા ઠાકોર નામની મહિલાએ અન્ય લોકો સાથે મળી યુવતીની જાણ બહાર જ તેને રૂા.૧.રપ લાખમાં વેચાતી આપી હતી અને ત્યારબાદ આ યુવતીને ત્રણેક મહિના સુધી ગોંધી રાખી સુરેશ કાંતિભાઈ રાણવા નામના શખ્સે યુવતીની મરજી વિરૂદ્ધ તેની ઉપર દુષ્કૃત્ય આચર્યું હતું. ભોગ બનનાર યુવતીએ આ શખ્સોની ચુંગાલમાંથી છૂટ્યા બાદ વારાહી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ઉષા ઠાકોર, મણીબેન કાંતિભાઈ રાણવા, પ્રેમીલાબેન રાણાભાઈ મકવાણા, સુરેશ કાંતિભાઈ રાણવા, ભરત કાંતિભાઈ રાણવા, મનુ કાંતિભાઈ રાણવા, નવીન ઉર્ફે ઢેંગો કાંતિભાઈ રાણવા અને જયેશ વાલાભાઈ મકવાણા સામે ગુનો દાખલ કર્યો છે જેની વધુ તપાસ પો.સ.ઈ. એન.એમ.માળી ચલાવી રહ્યા છે.