અંકલેશ્વર, તા.રર
વાલિયા તાલુકાના કનેરાવ ગામની પ્રાથમિક શાળામાં શાળાના આચાર્યએ ધોરણ ૭માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી અશ્લીલ વાત કરતા વાલીઓ દ્વારા પોલીસ ફરિયાદ દર્જ કરાવતા પોલીસે આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રીય માહિતી અનુસાર વાલિયાના કનેરાવ ગામની પ્રાથમિક શાળામાં નરેન્દ્રસિંહ બોડાણા આચાર્ય તરીકે ફરજ બજાવે છે તેઓ ધોરણ ૭ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા હતા દરમ્યાન પિરિયડ પૂર્ણ થયા બાદ તેઓએ ધોરણ ૭માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી અશ્લીલ વાત કરી હતી. આ અંગેની જાણ વિદ્યાર્થીનિઓએ ઘરે આવી વાલીને કરતા વાલીઓ દ્વારા ગામના સરપંચ તથા ડેપ્યુટી સરપંચ રજની વસાવાને હકીકત જણાવતા તેઓ ગ્રામજનો સાથે શાળાએ દોડી આવ્યા હતા અને હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે વાલીયા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને વાલીયા પોલીસે નરાધમ આચાર્ય નરેન્દ્રસિંહ બોડાણા વિરૂદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. શાળામાં જ આચાર્યએ નાની બાળકીઓ સાથે અશ્લીલ વાતો કરતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.