(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.રપ
ભરૂચના વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ ખાતે બીટીપી દ્વારા ચીનના વિરોધમાં દેખાવો યોજાયા હતા. તેમજ ચીનના પીએમ જિનપિંગના પૂતળાનું દહન કરી વિરોધ વ્યક્ત કરાયો હતો. ચીન દ્વારા ભારત સાથે સરહદ પર કરાઈ રહેલી અવળચંડાઈના પડઘા હવે અંતરિયાળ વિસ્તારના ગામોમાં પણ જોવા મળી રહ્યા છે જેના ભાગરૂપે ઠેર-ઠેર દેશની જનતાનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બુધવારના રોજ ભરૂચના વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ ખાતે ભારતીય ટ્રાઈબલ પાર્ટી દ્વારા ચીન સામે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ કાર્યકરો સાથે જિનપિંગના પૂતળાનું દહન કર્યું હતું. તેમજ ચીન સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા દેશના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી. બીટીપીના ધારાસભ્ય છોટુભાઈ વસાવા તેમજ અગ્રણીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે સવાલો ઊભા કરી આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી, તો કેવડિયાના મુદ્દે સરકાર સામે બીટીપીના વડા છોટુભાઈ વસાવાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ચીન સામેના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં બીટીપીના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પોતાનો ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.