(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.ર૧
વાલિયા તાલુકાના પણસોલી ગામે ફડકોઈ ફળિયામાં પ્રેમી સાથે ભાગી ગયેલ પત્નીને પતિ એ માર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે હત્યારો પતિ ફરાર થઇ ગયો હતો.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ વાલિયાના પણસોલી ગામના ફડકોઈ ફળિયામાં રહેતો અશ્વિન અભેસિંગ વસાવાના લગ્ન માંગરોળની સુધા વસાવા સાથે થયા હતા. ત્રણ સંતાનોની માતા સુધા વસાવાને ફળિયામાં રહેતા નિલેશ બળવંત વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને પ્રેમી પંખીડાઓ પંદર દિવસ અગાઉ ભાગી ગયા હતા. પતિ અશ્વિન વસાવાએ પરિવારજનો સાથે બંનેની શોધખોળ કરતા બંને પ્રેમી પંખીડાઓ સુરતના માંગરોળ પાસે આવેલ એક વાડીમાંથી મળી આવ્યા હતા અને બંનેને પરત ઘરે લાવી સમાધાન કરી છૂટા પાડ્યા હતા. દરમ્યાન ગત તા.૨૦મીની સાંજે પતિ અશ્વિન વસાવાએ તેની પત્ની સુધા પર પ્રેમ સંબંધની રીશ રાખી આડેધડ લાકડીના સપાટા મારી પગ ઉપરથી બાઈક ચલાવી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ૩૯ વર્ષીય પત્ની સુધાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ વાલિયા પોલીસને કરાતા પોલીસ દોડી આવી સુધા વસાવાના મૃતદેહને વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પતિ અશ્વિન વસાવા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.